04 August, 2025 12:23 PM IST | Patna | Gujarati Mid-day Correspondent
તેજસ્વી યાદવ
રવિવારે ઇલેક્શન કમિશન દ્વારા તેજસ્વી યાદવને જાણ કરવામાં આવી હતી કે તેમણે જે વોટર આઇડી કાર્ડ પ્રેસ-કૉન્ફરન્સમાં દર્શાવ્યું હતું એ ચૂંટણી કમિશનને સોંપી દે, કારણ કે એ સત્તાવાર રીતે ઇશ્યુ કરી આપવામાં નથી આવ્યું. એ કેવી રીતે બનાવવામાં આવ્યું છે એની તપાસ કરવામાં આવશે.
આ તરફ ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગઈ કાલે તેજસ્વી યાદવ પર આરોપ લગાવ્યો હતો કે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે બે મતદાર ઓળખપત્રો રાખીને ગુનો કર્યો છે. તેજસ્વી યાદવે એક પ્રેસ-કૉન્ફરન્સ યોજીને પોતાનો ઇલેક્ટર્સ ફોટો આઇડેન્ટિટી કાર્ડ (EPIC) નંબર ચૂંટણીપંચે બહાર પાડેલી નવી ડ્રાફ્ટ મતદારયાદીમાં નથી એવો દાવો કર્યો હતો. જોકે ચૂંટણીપંચે આ દાવાને રદિયો આપી દીધો હતો. ગઈ કાલે BJPએ તેજસ્વી યાદવ પર હુમલો વધુ તીવ્ર બનાવ્યો હતો.
આ મુદ્દે BJPના રાષ્ટ્રીય પ્રવક્તાએ પત્રકાર-પરિષદમાં જણાવ્યું હતું કે ‘કૉન્ગ્રેસ અને RJDનો સંપૂર્ણ પર્દાફાશ થયો છે. શું તમે (યાદવ) શપથ લઈને ખોટું બોલ્યા? શું તમે ચૂંટણીપંચ સમક્ષ ખોટાં તથ્યો રજૂ કર્યાં?’
પાત્રાએ નોંધ્યું કે તેજસ્વી યાદવે તેમના ૨૦૨૦ના ચૂંટણી સોગંદનામામાં જે મતદાર ઓળખપત્ર રજૂ કર્યું હતું એ તેમણે શનિવારે ઉલ્લેખ કરેલા મતદાર ઓળખપત્ર કરતાં અલગ હતું, જેમાં તેમણે દાવો કર્યો હતો કે સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કવાયત પછી તૈયાર કરાયેલી મતદારયાદીમાંથી તેમનું નામ ગાયબ છે.
ચૂંટણીપંચનાં સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે SIR મુજબ પ્રકાશિત ડ્રાફ્ટ મતદારયાદીમાં RJDના નેતા તેજસ્વી પ્રસાદ યાદવનું નામ છે અને તેમના બીજા EPIC નંબર માટે હજી સુધી કોઈ રેકૉર્ડ મળ્યો નથી. તેમણે નોંધ્યું હતું કે એવું સંભવ છે કે બીજું EPIC ક્યારેય સત્તાવાર ચૅનલ દ્વારા બનાવવામાં આવ્યું ન હોય.
ચૂંટણીપંચનાં સૂત્રોએ તેજસ્વી પ્રસાદના આરોપને ફગાવી દીધો હતો કે તેમનો EPIC નંબર બદલાયો હતો અને કહ્યું હતું કે RJD નેતાએ ૨૦૨૦માં સોગંદનામા પર તેમનાં ઉમેદવારીપત્રો ભરવા માટે EPIC નંબર RAB0456228વાળી મતદારયાદીનો ઉપયોગ કર્યો હતો.