midday

તહવ્વુર રાણાને સ્થાનિક સ્તરે કોની મદદ મળી હતી એનો પર્દાફાશ હવે થશે?

14 April, 2025 01:26 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૧૬ વર્ષ બાદ પણ આ હુમલામાં તેને મદદ કરનારા લોકોની ઓળખ થવી જોઈએ અને એ લોકોને ખુલ્લા પાડવામાં આવવા જોઈએ.
તહવ્વુર રાણા

તહવ્વુર રાણા

૨૦૦૮ની ૨૬ નવેમ્બરે મુંબઈમાં ૧૦ પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના કેસમાં અમેરિકાથી ભારતમાં લાવવામાં આવેલા આરોપી તહવ્વુર રાણાની હાલમાં નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે ભારત ઉપરાંત પાકિસ્તાન સહિત બધાની નજર એના પર છે કે તે શું કહેશે? તેના પાકિસ્તાન સાથે સંબંધો છે અને પાકિસ્તાનની પણ આ હુમલામાં સંડોવણી છે એ જગજાહેર છે, પણ આ માત્ર એક ષડ‍્યંત્ર હોવા ઉપરાંત ભારતમાં સ્થાનિક સ્તરે તેને કોનો સાથ મળ્યો હતો એ જાણવું પણ જરૂરી છે.

ભારતના એ દેશદ્રોહીઓ કોણ છે? ૧૬ વર્ષ બાદ પણ આ હુમલામાં તેને મદદ કરનારા લોકોની ઓળખ થવી જોઈએ અને એ લોકોને ખુલ્લા પાડવામાં આવવા જોઈએ.

રાણાની પૂછપરછથી આ કેસમાં મહત્ત્વપૂર્ણ વિગતો ઉમેરવામાં આવશે અને મુંબઈ પર થયેલા હુમલા પાછળ કોનો સાથ હતો અને કઈ એજન્સીઓનો સાથ મળ્યો હતો એ જાણવા મળવું જરૂરી છે. આ વિગતો પાકિસ્તાન સામેનો ભારતનો કેસ વધારે મજબૂત બનાવશે.

૨૦૦૮માં તત્કાલીન રાજ્ય અને કેન્દ્ર સરકારે એવો દાવો કર્યો હતો કે હુમલાખોરોને કોઈ સ્થાનિક સહાય મળી નહોતી, પણ આ દાવાને સ્વીકારવો મુશ્કેલ છે. જે વ્યક્તિઓ ક્યારેય જે દેશમાં ગઈ નથી ત્યાં સ્થાનિક મદદ વિના આવા ચોક્કસ અને સંકલિત હુમલાને કેવી રીતે અંજામ આપી શકે? આ સવાલનો જવાબ મળતો નથી.

અત્યાર સુધીની તપાસ સૂચવે છે કે રાણા અને તેના સાથી દાઉદ ગિલાની ઉર્ફે ડેવિડ કોલમન હેડલીએ જાસૂસી કામગીરી કરી હતી અને વિગતવાર યોજના તૈયાર કરી હતી. ૧૦ પાકિસ્તાની આતંકવાદીઓએ એનું પાલન કર્યું હતું. આ આતંકવાદીઓએ અરબી સમુદ્રમાં કુબેર નામની માછીમારી બોટનું અપહરણ કર્યું હતું, એના ચાર ક્રૂ મેમ્બરોની હત્યા કરી હતી અને એના કૅપ્ટન અમરસિંહ સોલંકીને લશ્કર-એ-તય્યબાના ૧૦ આતંકવાદીઓને લઈને જહાજને મુંબઈના કિનારા સુધી લાવવાની ફરજ પાડી હતી. મુંબઈ પહોંચ્યા બાદ અમરસિંહ સોલંકીને પણ મારી નાખવામાં આવ્યો હતો અને આતંકવાદીઓ ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં પહોંચ્યા હતા અને હુમલો કર્યો હતો.

આજે પણ એક જ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે શું સ્થાનિક સમર્થન વિના આ રીતનો હુમલો કરવો શક્ય છે? એ સમયે પણ આ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો, પણ એનો સ્પષ્ટ જવાબ મળ્યો નથી.

તહવ્વુર રાણાએ NIAની કસ્ટડીમાં કુરાન, પેન અને કાગળો માગ્યાં

નવી દિલ્હીના CGO કૉમ્પ્લેક્સમાં NIAની કસ્ટડીમાં સુરક્ષિત સેલમાં રાખવામાં આવેલા તહવ્વુર રાણાએ ત્રણ વસ્તુની માગણી કરી હતી જેમાં કુરાનની પ્રત, પેન અને થોડા કાગળોનો સમાવેશ છે. આ ચીજો તેને આપવામાં આવી છે અને તેના પર ૨૪ કલાક નજર રાખવામાં આવી રહી છે. પેનથી તે પોતાને નુકસાન ન કરે એ માટે પણ સતત ધ્યાન રાખવામાં આવે છે. તે દિવસમાં પાંચ વાર નમાઝ અદા કરે છે.

tahawwur rana the attacks of 26 11 26 11 attacks terror attack mumbai terror attacks news mumbai mumbai news national news