10 September, 2025 10:29 AM IST | Coimbatore | Gujarati Mid-day Correspondent
જે વાનગીઓનું બિલ સ્વિગી પર ૧૪૭૩ રૂપિયા થતું હતું એ ડાયરેક્ટ રેસ્ટોરાંમાંથી મગાવો તો ૮૧૦ રૂપિયા થાય
કોઇમ્બતુરની એક વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે તેણે એક રેસ્ટોરાંમાંથી પોતાને જોઈતી ફૂડ-આઇટમોના ભાવ સ્વિગી પર જોયા તો જે ટોટલ થતું હતું એ ફક્ત બે કિલોમીટર દૂર આવેલી રેસ્ટોરાંના મેનુના ભાવ કરતાં ૮૦ ટકા વધુ હતું. તેણે સ્વિગીનો સ્ક્રીનશૉટ શૅર કર્યો હતો જેમાં કુલ કિંમત ૧૪૭૩ રૂપિયા હતી, જ્યારે આ જ ઑર્ડરની આઇટમોનું રેસ્ટોરાંનું બિલ માત્ર ૮૧૦ રૂપિયા થયું હતું. હવે આ મુદ્દે સોશ્યલ મીડિયા પર સ્વિગીના કમિશન અને ડિલિવરી ખર્ચ પર ચર્ચા શરૂ થઈ છે.
ઑર્ડરની ઑફલાઇન કિંમતો ઘણી ઓછી હતી : પરાઠા ૨૦ રૂપિયામાં (સ્વિગી પર ૩૫ રૂપિયા), ચિકન-65 ૧૫૦ રૂપિયામાં (સ્વિગી પર ૨૪૦ રૂપિયા), ચિકન લૉલીપૉપ્સ ૨૦૦ રૂપિયામાં (સ્વિગી પર ૩૨૦ રૂપિયા) અને બિરયાની ૧૪૦ રૂપિયામાં (સ્વિગી પર ૨૩૦ રૂપિયા). આટલો ફરક જોઈને આ વ્યક્તિએ કહ્યું હતું કે બે કિલોમીટર દૂરથી ફૂડ-આઇટમો ઘર સુધી પહોંચાડવા માટે ૮૦ ટકા વધારે કિંમત ખૂબ વધારે છે, આગલી વખતે હું પોર્ટર બુક કરીશ અને મારો ઑર્ડર ફક્ત ૧૦૦ રૂપિયામાં ઘર સુધી પહોંચી જશે.