સ્પાઈસજેટે દિલ્હી એરપોર્ટ પર મુસાફરોને એરોબ્રિજમાં પૂરી દીધા, વીડિયો થયો વાયરલ

12 January, 2023 09:21 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

અગ્રવાલે પોતાના વ્લોગમાં જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકો એક કલાકથી વધુ સમય સુધી ત્યાં બંધ હતા અને તેમને પાણી પણ આપવામાં આવ્યું નહોતું

પ્રતીકાત્મક તસવીર

સ્પાઇસજેટે (SpiceJet) કથિત રીતે 10 જાન્યુઆરીએ દિલ્હી એરપોર્ટના બોર્ડિંગ ગેટ અને બેંગલુરુ જતી ફ્લાઈટ વચ્ચે મુસાફરોને રોક્યા હતા. એરલાઇન્સે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે પ્રસ્થાન મોડું થયું હતું તેથી મુસાફરોને એરોબ્રિજ પર રાહ જોવા માટે વિનંતી કરવામાં આવી હતી. યાત્રીઓ લગભગ એક કલાક સુધી ત્યાં અટવાયા હતા.

ટ્રાવેલ વ્લોગર સૌમિલ અગ્રવાલે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી આ આરોપ લગાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, જ્યારે દિલ્હી-બેંગલુરુ ફ્લાઈટ SG 8133ના મુસાફરોએ બોર્ડિંગ ગેટ ખોલવાનું કહ્યું જેથી તેઓ આરામ કરવા માટે વેટિંગ એરિયામાં પાછા જઈ શકે, ત્યારે અધિકારીઓએ ના પાડી દીધી હતી, જે બાદ તમામ અધિકારીઓ ત્યાંથી છૂમંતર થઈ ગયા હતા. આ મામલો દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 3નો છે.

પીવા માટે પાણી પણ નહોતું મળ્યું

અગ્રવાલે પોતાના વ્લોગમાં જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકો એક કલાકથી વધુ સમય સુધી ત્યાં બંધ (SpiceJet Locked Passengers) હતા અને તેમને પાણી પણ આપવામાં આવ્યું નહોતું. જ્યારે તેણે પાણી માગ્યું તો અધિકારીઓએ તેને પાણી ન આપ્યું અને કહ્યું કે ગેટ ખોલ્યા પછી તે ફ્લાઈટમાં પાણી માગીને પી શકે છે. વીડિયોમાં મુસાફરો એરલાઇનના અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ સાથે દલીલ કરતા જોઈ શકાય છે. અધિકારીઓ લોકોના એક પણ પ્રશ્નનો જવાબ આપી શક્યા ન હતા.

સ્પાઈસજેટની સ્પષ્ટતા

સ્પાઇસજેટના પ્રવક્તાએ સ્પષ્ટતા જાહેર કરીને જણાવ્યું હતું કે નેટવર્કમાં ખરાબ હવામાનને કારણે ફ્લાઇટમાં વિલંબ થયો હતો અને મુસાફરોને એરોબ્રિજ પર રાહ જોવાની વિનંતી કરવામાં આવી હતી. તેમની સુરક્ષા તપાસ પહેલાથી જ થઈ ગઈ હતી. સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “સરેરાશ, બોઈંગ એરક્રાફ્ટ માટે દિલ્હી એરપોર્ટ પર ટર્નઅરાઉન્ડ ટાઈમ 40-45 મિનિટનો હોય છે, જ્યારે આ ચોક્કસ ફ્લાઈટનો ટર્નઅરાઉન્ડ ટાઈમ સરેરાશ ટર્નઅરાઉન્ડ ટાઈમ કરતાં લગભગ 20 મિનિટ વધુ હતો. મુસાફરોએ સુરક્ષા તપાસ પૂરી કરી હતી, તેથી તેમને એરોબ્રિજ પર રાહ જોવા માટે વિનંતી કરવામાં આવી હતી.”

આ પણ વાંચો: દિલ્હી એરપોર્ટ પર ખુલ્લામાં પેશાબ કરી રહ્યો હતો શખ્સ, ના પાડી તો કર્યો આવો કાંડ

પાણી આપવામાં આવ્યું હતું

પાણી ન આપવાના આરોપ પર સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “એરક્રાફ્ટના દરવાજા અને એરોબ્રિજ પેસેજ પાસે નીચેના માળે રહેલા તમામ મુસાફરોને પાણી આપવામાં આવ્યું હતું. વીડિયો બોર્ડિંગ ગેટની બહાર શૂટ કરવામાં આવ્યો હતો જેમાં મર્યાદિત ફૂટેજ છે.

 

national news viral videos spicejet