01 August, 2025 11:22 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
શશી થરૂર
ગઈ કાલે ડોનલ્ડ ટ્રમ્પે એવી પણ જાહેરાત કરી હતી કે અમેરિકા પાકિસ્તાન સાથે મળીને પાકિસ્તાનમાં તેલના ભંડાર તૈયાર કરશે. પાકિસ્તાનમાં રહેલા તેલના ભંડારોને શોધીને ત્યાં મોટો ઑઇલ રિઝર્વ તૈયાર કરવા માટે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે કરાર થયા છે. આ પ્રક્રિયા માટે ઑઇલ કંપનીની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. એક દિવસ એવો આવી શકે છે કે આ ઑઇલ રિઝર્વમાંથી ભારત તેલ ખરીદતું હોઈ શકે છે. પાકિસ્તાનમાં કયા સ્થાને તેલના ભંડાર હોઈ શકે છે એ વિશે કોઈ ખુલાસા હજી સુધી આવ્યા નથી.
વિદેશનીતિના નિષ્ણાત કેરલાના સંસદસભ્ય શશી થરૂરે ગઈ કાલે ટ્રમ્પ અને અમેરિકાએ તાજેતરમાં જાહેર કરેલી ટૅરિફ અને રશિયા સાથેના વેપાર પર પેનલ્ટીને ગંભીર બાબતો ગણાવી હતી. જોકે પાકિસ્તાન સાથે ઑઇલ રિઝર્વની ડીલની ડોનલ્ડ ટ્રમ્પે કરેલી જાહેરાતને શશી થરૂરે ભ્રામક ગણાવતાં કહ્યું હતું કે અમેરિકાને ભ્રમ છે કે પાકિસ્તાનમાં ખનિજ છે. પાકિસ્તાન પહેલાં ભારતનો જ ભાગ હતું. મેં એવો કઈ રિપોર્ટ ક્યારેય નથી વાચ્યો કે પાકિસ્તાનમાં તેલના ભંડાર હોઈ શકે, છતાં એ લોકોને ત્યાં તેલ શોધવા જવું હોય તો મારી શુભેચ્છાઓ એમની સાથે છે, ગુડ લક.
બલૂચિસ્તાને કહ્યું, અમે વેચાવા માટે નથી બેઠા
ટ્રમ્પની જાહેરાતને પગલે ગઈ કાલે બલૂચિસ્તાનમાંથી પણ પ્રક્રિયા આવી હતી, બલૂચિસ્તાનના નેતા મીર યાર બલૂચે એવું કહ્યું હતું કે અમેરિકાએ પાકિસ્તાનમાં ખનિજ સંપત્તિ હોવાની વાત કરી છે એ બરાબર, પણ એ ખનિજો બલૂચિસ્તાન ગણરાજ્યમાં છે, પંજાબ ક્ષેત્રમાં નથી. બલૂચિસ્તાન એક સ્વતંત્ર રાષ્ટ્ર છે, પણ એ પાકિસ્તાનના ગેરકાયદે કબજામાં છે. જો બલૂચિસ્તાનના લોકોની સહમતી નહીં હોય તો અહીં અમેરિકા કે ચીન કે પાકિસ્તાન કોઈ અમારાં સંસાધનોનું શોષણ નહીં કરી શકે. બલૂચિસ્તાન બિકાઉ નથી. અમે વેચાવા નથી બેઠા.’