Maharashtra: ભૂસ્ખલનથી અસરગ્રસ્ત તાલિયેમાં સર્ચ ઓપરેશન બંધ, 31 ગુમ લોકો મૃત જાહેર

26 July, 2021 06:38 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે કેટલાય લોકો ગુમ થયા છે. ભૂસ્ખલનથી અસરગ્રસ્ત તાલિયે ગામમાં સર્ચ ઓપરેશન બંધ કરી ગુમ લોકોને મૃત જાહેર કરી દેવામાં આવ્યાં છે.

ભૂસ્ખલનથી અસરગ્રસ્ત રાયગઢ જિલ્લાનું તાલિયે ગામ (તસવીરઃPTI)

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લા વહીવટીતંત્રે સોમવારે તાલિએ ગામમાં  ભારે વરસાદને કારણે બનેલી ઘટનાઓમાં ગુમ થયેલા 31 લોકોની શોધખોળ બંધ કરી દીધી છે. જયાં ગત અઠવાડિયે ભારે વરસાદ બાદ ભારે ભૂસ્ખલન દ્વારા તબાહી મચી હતી અને કેટલાય લોકો તેમાં દબાઈ ગયા હતા.

જિલ્લા કલેક્ટર નિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગામમાં અત્યાર સુધીમાં 53 લોકોનાં મોત નીપજ્યાં છે અને પાંચ ઘાયલ થયા છે, જ્યારે 31 લોકો હજી લાપતા છે અને તેઓને નિયત પ્રક્રિયા બાદ મૃત જાહેર કરવામાં આવશે. મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રના રાયગઢના મહડ તાલુકામાં આવેલા આ ગામમાં ભારે વરસાદ પછી ગત ગુરુવારે ભયંકર ભૂસ્ખલન થયું હતું અને આ વિસ્તારમાં ઘણા મકાનો ધરાશાયી થયા હતાં. 

કલેકટરે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)અને રાજ્ય અને પડોશી થાણે જિલ્લાની આપત્તિ પ્રતિક્રિયા દળોનો અભિપ્રાય મેળવ્યા બાદ આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. 

તેમણે વધુમાં કહ્યું કે બચાવ કામગીરી સમાપ્ત થઈ ગઈ છે અને અમે બચાવ ટીમોને તાલિએથી પરત બોલાવી લીધી છે. ગુમ થયેલા 31 લોકોને મૃત જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત ગુમ થયેલા લોકોના સંબંધીઓએ પણ ગઈકાલે કામગીરી બંધ કરવાની માંગ કરી હોવાનું નિધિ ચૌધરીએ જણાવ્યું હતું. 

ગુમ થયેલા લોકોના સ્વજનો અને બચી ગયેલા લોકોની ભાવનાઓને સમજી તેમની માગને સાંભળી 31 ગુમ થયેલા લોકોની શોધખોળની કામગીરીને સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે આ ગામની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે રાજ્યના ઘણા ભાગોમાં ભૂસ્ખલન જીવલેણ સાબિત થયું હોવાથી સરકાર ડુંગરાળ વિસ્તારોમાં રહેતા લોકોને કાયમી ધોરણે સ્થળાંતર કરવાની યોજના લઈને આવશે.

રાજ્ય સરકારના જણાવ્યા મુજબ વરસાદની તબાહીથી રાયગઢ જિલ્લામાં 71 લોકોના મોત થયા છે. જ્યારે 53 લોકો હજી પણ ગુમ છે.    

national news maharashtra raigad mahad mumbai rains