સાસણના જંગલમાં જ ડૉગીએ સાવજને પડકાર્યો

11 January, 2021 02:21 PM IST  |  Junagadh | Gujarati Mid-day Correspondent

સાસણના જંગલમાં જ ડૉગીએ સાવજને પડકાર્યો

સાસણમાં સિંહણને પડકારતા કુતરાનો વિડીયો ગ્રેબ

હર કુત્તે કે દિન આતે હૈ ઔર શેર ચૂહા બન જાતા હૈ. કૂત્તા અપની ગલીમેં શેર હોતા હે, પણ સાસણ ગીરમાં એક કૂતરાએ સિંહને પડકારતા આ ફિલ્મી ડાયલોગ સાસણ જંગલમાં સાચો પડ્યો છે. સાસણના જંગલમાં સિંહ અને શ્વાન વચ્ચેની લડાઈનો વિડિયો સામે આવ્યો છે. જેની ગર્જનાથી આખું જંગલ ગુંજી ઊઠે છે અને ભલભલાના હાંજા ગગડી જાય છે તેવા સિંહને શ્વાને ચેલેન્જ આપી. ગીરના જંગલમાં જોવા મળતી અતિ દુર્લભ એવી આ ઘટના પ્રવાસીઓએ કચકડે કંડારી છે જેમાં એક શ્વાન સિંહ સાથે બાથ ભીડવાની હિંમત કરી રહ્યો છે અને સિંહ પણ પાછીપાની કરતો નજરે ચડી રહ્યો છે.

મહત્ત્વની વાત એ છે કે જ્યાં પ્રવાસીઓને સિંહદર્શન માટે જંગલના રૂટ પર લઈ જવામાં આવે છે ત્યાં પવનચક્કીવાળા પાણીના પૉઇન્ટ નજીક પ્રવાસીઓ જિપ્સીમાં બેસી સિંહદર્શન કરતા હતા તેવામાં અચાનક જ બે સિંહણો પ્રવાસીઓને નજરે ચડી અને ત્યાં અચાનક જ શ્વાન પણ આવી ચડ્યો અને સિંહને જોઈને ભસવા લાગ્યો, તેવામાં સિંહણ ધીમે ધીમે પાછીપાની કરવા લાગી હતી. તેનો મતલબ એવો નથી કે સિંહણ શ્વાનથી ડરી ગઈ. સિંહ એ ખાનદાન પ્રાણી છે અને તેનો સ્વભાવ છે કે જે તેનો ખોરાક નથી તેને શિકાર બનાવતો નથી.

આ સમગ્ર મામલે સાસણના ડીસીએફએ જણાવ્યું હતું કે ભાગ્યે જ આવી ઘટના બનતી હોય છે. શ્વાન ચિતલ, હરણનાં બચ્ચાનો શિકાર કરવા માટે ત્રણ-ચારના જૂથમાં જંગલમાં ચડી આવતા હોય છે, પણ તેણે આ ઘટનામાં સિંહની સાથે બાથ ભીડી હોય તેવું સામે આવ્યું છે. સિંહ એ ખાનદાની પ્રાણી છે, જેથી શ્વાનને છોડી દીધું, નહીંતર સિંહ ધારે તો એક મિનિટના છઠ્ઠા ભાગમાં સ્વાનને પતાવી પણ દે. આ ઘટના પરથી સિંહની ખાનદાની વધુ એકવાર સાબિત થાય છે.

national news junagadh