19 September, 2025 04:17 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
સૅમ પિત્રોડા (તસવીર: X)
કૉંગ્રેસના નેતા સૅમ પિત્રોડાના તાજેતરના નિવેદનથી ફરી એકવાર વિવાદ શરૂ થયો છે. આ વખતે પિત્રોડાએ કેન્દ્ર સરકારને પાડોશી દેશો સાથે વાતચીતને પ્રાથમિકતા આપવાની સલાહ આપી હતી. ભાષણ દરમિયાન તેમણે કહ્યું હતું કે તેઓ પાકિસ્તાન ગયા હતા અને ત્યાં તેમને ઘર જેવો જ અનુભવ થયો. ભાજપે આ નિવેદનનો કડક વિરોધ કર્યો છે. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીના નજીકના સહયોગી અને કૉંગ્રેસ ઓવરસીઝના વડા સૅમ પિત્રોડાએ કહ્યું હતું કે તેમને પાકિસ્તાનમાં ઘર જેવું અનુભવ થાય છે. 26/11 પછી પણ યુપીએ સરકારે પાકિસ્તાન સામે કોઈ કડક કાર્યવાહી ન કરી તે આશ્ચર્યજનક વાત નથી. પાકિસ્તાનનું પ્રિય, કૉંગ્રેસનું પ્રિય!
પાકિસ્તાન સાથે સંબંધો મજબૂત કરવાની સલાહ
સૅમ પિત્રોડાએ કેન્દ્ર સરકારને ભારતના પડોશી દેશો, ખાસ કરીને પાકિસ્તાન સાથે સંબંધો મજબૂત કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું, "મારા મતે, આપણી વિદેશ નીતિમાં, તમારે પહેલા તમારા પડોશ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. શું આપણે ખરેખર આપણા પડોશીઓ સાથે સંબંધો સુધારી શકીએ છીએ?" પિત્રોડાએ વધુમાં કહ્યું, "હું પાકિસ્તાન ગયો છું. મને ત્યાં ઘર જેવું લાગ્યું. હું બાંગ્લાદેશ પણ ગયો છું. હું નેપાળ પણ ગયો છું. મને ત્યાં પણ ઘર જેવું લાગ્યું. મને એવું નથી લાગતું કે હું બીજા કોઈ દેશમાં છું." અગાઉ, પિત્રોડાએ ભારત-ચીન સંબંધો પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરીને હંગામો મચાવ્યો હતો. પિત્રોડાએ કહ્યું હતું કે ભારત ચીનના ખતરાને અતિશયોક્તિપૂર્ણ રીતે દર્શાવે છે. સૅમ પિત્રોડા 1980 ના દાયકામાં ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેઓ તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીના નજીકના ટૅક્નોક્રેટ તરીકે પ્રખ્યાત થયા હતા. તેમને ગાંધી પરિવારના નજીકના વિશ્વાસુ માનવામાં આવે છે. પરંતુ તેઓ ઘણીવાર તેમના નિવેદનોથી વિવાદ ઉભો કરે છે.
હાફિઝ સઈદ સાથે મુલાકાતને લઈને પણ કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ
જમ્મૂ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)ના આતંકવાદી યાસિન મલિકે એક ચોંકાવનારો દાવો કરતાં કહ્યું છે કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે 2006માં પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા (એલઈટી)ના સંસ્થાપક અને 26/11ના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ સાથે મુલાકાત બાદ વ્યક્તિગત રીતે તેનો આભાર માન્યો હતો અને તેને ધન્યવાદ કહ્યું હતું. યાસિન મલિક ટૅરર ફન્ડિંગ મામલે આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો છે.
અમિત માલવિયાની પોસ્ટ...
ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં યાસીન મલિક દ્વારા દાખલ કરાયેલ સોગંદનામાનો સમાવેશ કર્યો. પોસ્ટમાં તેમણે લખ્યું, "જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) ના આતંકવાદી યાસીન મલિક, જે આતંકવાદી ભંડોળના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે, તેણે ચોંકાવનારો દાવો કર્યો છે."