કૉન્ગ્રેસ નેતાએ કરી રાષ્ટ્રપતિ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી

07 October, 2022 08:31 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ટીકા કરવા બદલ કૉન્ગ્રેસ નેતા ઉદિત રાજ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા

ફાઇલ તસવીર

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ટીકા કરવા બદલ કૉન્ગ્રેસ નેતા ઉદિત રાજ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તેમણે ટ્વીટ કરતાં કહ્યું હતું કે કોઈ પણ દેશને દ્રૌપદી મુર્મુ જેવાં રાષ્ટ્રપતિ ન મળવા જોઈએ. ચમચાગીરીની પણ એક હદ હોય છે. રાષ્ટ્રપતિ મુર્મુએ ગુજરાત દેશના કુલ ૭૬ ટકા મીઠાનું ઉત્પાદન કરે છે. એ સંદર્ભમાં વાત કરતાં કહ્યું હતું કે તમામ દેશવાસીઓ ગુજરાતનું મીઠું ખાય છે. જેના જવાબમાં ઉદિત રાજે આ ટ્વીટ કરી હતી.

બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ ઉદિત રાજની ટીકા કરતાં કહ્યું હતું કે ‘આ નિવેદન કૉન્ગ્રેસની આદિવાસી વિરોધી માનસિકતા દેખાડે છે. કૉન્ગ્રેસ સતત દેશના રાષ્ટ્રપતિ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરે છે જેમણે દેશના સર્વોચ્ચ સ્થાન સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે.’  

વિવાદ બાદ ઉદિત રાજે સ્પષ્ટતા કરી હતી કે ‘રાષ્ટ્રપતિ પરના તેમના ટ્વીટને અંગત ટિપ્પણી ગણવી. એને કૉન્ગ્રેસ સાથે કંઈ લેવાદેવા નથી.’

દરમ્યાન રાષ્ટ્રીય મહિલા આયોગે પણ ઉદિત રાજને તેમના વિવાદાસ્પદ વિધાન વિશે નોટિસ મોકલી હતી તેમ જ માફી માગવા જણાવ્યું હતું.

national news congress droupadi murmu