04 August, 2025 06:54 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રોહન જેટલી
કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે એવો દાવો કર્યો હતો કે ‘હું કૃષિ કાયદાઓ સામે લડી રહ્યો હતો ત્યારે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને BJPના દિવંગત નેતા અરુણ જેટલીને મને ધમકી આપવા માટે મોકલવામાં આવ્યા હતા. અરુણ જેટલીજીએ મને કહ્યું હતું કે જો તમે સરકારનો વિરોધ કરતા રહેશો, કૃષિ કાયદાઓ સામે લડતા રહેશો તો અમારે તમારી સામે કાર્યવાહી કરવી પડશે. મેં તેમના તરફ જોયું અને કહ્યું કે મને નથી લાગતું કે તમે જાણો છો કે તમે કોની સાથે વાત કરી રહ્યા છો, હું ધમકી સામે ઝૂક્યો નથી અને ખેડૂતોના હકો માટે લડતો રહ્યો છું.’
આ સંદર્ભમાં અરુણ જેટલીના પુત્ર રોહન જેટલીએ રાહુલ ગાંધીને જવાબ આપતાં એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘મારા પિતાનું ૨૦૧૯માં અવસાન થયું હતું, જ્યારે કૃષિ કાયદા ૨૦૨૦માં સંસદમાં રજૂ કરવામાં આવ્યા હતા. વિરોધી મંતવ્યો પર કોઈને ધમકાવવાનો મારા પિતાનો સ્વભાવ નહોતો.’
અરુણ જેટલી એક પ્રખર લોકશાહીવાદી હતા અને હંમેશાં સર્વસંમતિ બનાવવામાં માનતા હતા.