સીએમ પસંદ કરવા માટેના બીજેપીના નિરીક્ષકોમાં રાજનાથ, મનોહર ખટ્ટર અને અર્જુન મુંડા સામેલ

09 December, 2023 11:00 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વિધાનસભા પક્ષના લીડર્સ આ ત્રણ રાજ્યોના મુખ્ય પ્રધાન બનશે અને તેમને ચૂંટી કાઢવા માટેની મીટિંગ્ઝ આ વીક-એન્ડમાં થઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર

બીજેપીએ ગઈ કાલે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં એના વિધાનસભા પક્ષના લીડર્સની ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષકો તરીકે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર અને આદિવાસી બાબતોના પ્રધાન અર્જુન મુંડાની નિમણૂક કરી હતી.

વિધાનસભા પક્ષના લીડર્સ આ ત્રણ રાજ્યોના મુખ્ય પ્રધાન બનશે અને તેમને ચૂંટી કાઢવા માટેની મીટિંગ્ઝ આ વીક-એન્ડમાં થઈ શકે છે. પાર્ટીમાં એવો મત છે કે પાર્ટીનું નેતૃત્વ નવા ચહેરાઓને આ ત્રણ રાજ્યોનું સુકાન સોંપી શકે છે. રાજનાથની સાથે રાજસ્થાન માટેના કેન્દ્રીય નિરીક્ષકોમાં પાર્ટીના ઉપાધ્યક્ષ સરોજ પાંડે અને એના મહાસચિવ વિનોદ તાવડે પણ છે. બીજેપીમાં ખૂબ જ ચર્ચા છે કે પાર્ટીની લીડરશિપ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેને ઇગ્નોર કરીને નવા લીડરને લાવી શકે છે.  

મધ્ય પ્રદેશ વિધાનસભા પાર્ટી મીટિંગ માટે ખટ્ટરની સાથે પાર્ટીના ઓબીસી મોરચાના વડા કે. લક્ષ્મણ અને એનાં સચિવ આશા લાકરા છે, જ્યારે મુંડાની સાથે કેન્દ્રીય પ્રધાન સરબાનંદા સોનોવાલ અને બીજેપીના મહાસચિવ દુશ્વંત કુમાર ગૌતમ છત્તીસગઢ માટેના કેન્દ્રીય નિરીક્ષકો રહેશે.

bharatiya janata party rajasthan madhya pradesh chhattisgarh assembly elections national news