14 August, 2024 08:05 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
વીડિયોમાંથી લીધેલો સ્ક્રિનશૉટ
રાજસ્થાનના નાગૌર જિલ્લામાં પત્નીને બાઇકની પાછળ બાંધીને ખેંચનારા ૩૫ વર્ષના પ્રેમારામ મેઘવાલની પોલીસે ધરપકડ કરી છે અને તેની પત્નીનું નિવેદન લેવા માટે તેને જૈસલમેરથી બોલાવવામાં આવી છે. આ ઘટના એક મહિનો જૂની છે, પણ એનો વિડિયો વાઇરલ થયા બાદ પોલીસ ઍક્શનમાં આવી હતી અને કાર્યવાહી હાથ ધરી છે.
૪૦ સેકન્ડના વિડિયોમાં દેખાઈ રહ્યું છે કે નાગૌરના પાંચોડી વિસ્તારમાં પગ બાંધીને એક મહિલાને બાઇકની પાછળ બાંધી દેવામાં આવી છે અને બાઇકસવાર તેને ખેંચી રહ્યો છે. આ મહિલા મદદ માટે બૂમો પાડે છે, પણ કોઈ મદદ કરતું નથી. વિડિયો વાઇરલ થયા બાદ પોલીસે પ્રેમારામની ધરપકડ કરી હતી.
આ કેસમાં મળતી માહિતી મુજબ પ્રેમારામ બેરોજગાર છે અને ૧૦ મહિના પહેલાં ઉત્તર પ્રદેશ અથવા બિહારની આ મહિલાને તેણે બે લાખ રૂપિયામાં ખરીદી હતી અને તેની સાથે તે રહે છે. આ મહિલા પોતાની બહેનના ઘરે જૈસલમેર જવા માગતી હતી એટલે પતિએ તેને આ પ્રકારની ‘પનિશમેન્ટ’ આપી હતી. આ મહિલા હાલમાં જૈસલમેરમાં તેની બહેન સાથે રહે છે.