04 August, 2025 09:34 AM IST | Barmer | Gujarati Mid-day Correspondent
રાજસ્થાનના પ્રધાન કે. કે. વિષ્ણો
બાડમેર જિલ્લાના બાલોત્રા વિસ્તારમાં ઘરો અને ખેતરોમાં પાણી ભરાઈ જવા અને પ્રદૂષિત પાણી ઘૂસવાના મુદ્દા પર પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં રાજસ્થાનના ઉદ્યોગ રાજ્યપ્રધાન કે. કે. વિષ્ણોઈએ શનિવારે બાડમેરની મુલાકાત દરમ્યાન કહ્યું હતું કે ‘આપણે બાડમેર અને બાલોત્રા જિલ્લાની વાત કરી રહ્યા છીએ. ત્યાં ભગવાન ઇન્દ્ર ખૂબ ઉદાર છે. જ્યારે પણ BJPની સરકાર બને છે અને આપણા મુખ્ય પ્રધાન ભરતપુરમાં ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરે છે ત્યારે અહીં એટલો ભારે વરસાદ પડે છે કે મુખ્ય પ્રધાને ભગવાન ઇન્દ્રને વરસાદ ઓછો કરવા વિનંતી કરવી પડે છે જેથી લોકો પોતાનું જીવન ચાલુ રાખી શકે.’ આ વિસ્તાર પ્રદૂષિત પાણીની સમસ્યાથી ઘેરાયેલો છે. જોધપુર અને પાલીમાં ફૅક્ટરીઓમાંથી ઔદ્યોગિક કચરો વહન કરતી આ નદી ચોમાસા દરમ્યાન છલકાઈ જાય છે, જેને કારણે બાલોત્રાનાં ગામડાં કાળાં અને દુર્ગંધયુક્ત પાણીમાં ડૂબી જાય છે. પ્રધાનની કમેન્ટની ટીકા કરતાં કૉન્ગ્રેસે કહ્યું હતું કે ‘તેઓ માનવસર્જિત કટોકટીની જવાબદારી દેવતાઓ પર ઢોળી રહ્યા છે. આ વાત હાસ્યાસ્પદ છે.’