ભારત જોડો બાદ રાહુલ ગાંધીની હવે ન્યાય યાત્રા

28 December, 2023 09:57 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મણિપુરથી મુંબઈ સુધી કૉન્ગ્રેસને મજબૂત કરવા માટેની ૬૨૦૦ કિલોમીટરની આ યાત્રાની શરૂઆત ૧૪ જાન્યુઆરીથી થશે અને ૨૦ માર્ચે સમાપન થશે

રાહુલ ગાંધી

નવી દિલ્હી : કૉન્ગ્રેસના સિનિયર લીડર રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા બાદ હવે લોકસભાની ચૂંટણી પહેલાં ભારત ન્યાય યાત્રા પર નીકળશે. તેઓ મણિપુરથી મુંબઈ સુધીની ૬૨૦૦ કિલોમીટરની આ યાત્રાની શરૂઆત ૧૪ જાન્યુઆરીથી કરશે. ચૂંટણી પહેલાં ૨૦ માર્ચે આ યાત્રાનું સમાપન થશે, જેને દ​ક્ષિણથી ઉત્તર સુધીની ગયા વર્ષની ભારત જોડો યાત્રાનો બીજો અને પૂર્વ-પશ્ચિમ તબક્કો ગણાવવામાં આવી રહ્યો છે. 

ઇમ્ફાલમાં કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આ યાત્રાને લીલી ઝંડી આપવામાં આવશે. આ યાત્રામાં મણિપુર, નાગાલૅન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોને કવર કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી માટેનો પ્રચાર પીક પર રહેશે ત્યારે આ યાત્રાનું સમાપન થશે. આ યાત્રા જે રાજ્યોમાંથી પસાર થવાની છે ત્યાં કૉન્ગ્રેસ મજબૂત નથી. આ રાજ્યોમાં છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં કૉન્ગ્રેસનું પર્ફોર્મન્સ સારું રહ્યું નથી એટલે જ અહીં કૉન્ગ્રેસને મજબૂત કરવાનો હેતુ છે. કૉન્ગ્રેસે કહ્યું હતું કે ન્યાય યાત્રા દેશના લોકો માટે આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય સુનિશ્ચિત કરશે. 

આ યાત્રાની શરૂઆત કરવા માટે હિંસાગ્રસ્ત મણિપુરની પસંદગી કરવા વિશે કૉન્ગ્રેસે કહ્યું હતું કે પાર્ટી લોકોના ઘા રુઝાવવાની પ્રક્રિયા શરૂ કરવા ઇચ્છતી હતી. રાહુલે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કન્યાકુમારીથી તેમની ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી, જેનું સમાપન જાન્યુઆરીમાં શ્રીનગરમાં થયું હતું. કૉન્ગ્રેસે કર્ણાટક અને તેલંગણની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની જીતની ક્રેડિટ ભારત જોડો યાત્રાને આપી હતી. 

ભારતના લોકોએ સ્પષ્ટપણે ભારત જોડો યાત્રાના આઇડિયાને ફગાવી દીધો હતો, કેમ કે રાહુલ ગાંધી અને કૉન્ગ્રેસ ડબલ સ્ટાન્ડર્ડ કે દંભ ન અપનાવી શકે. તેઓ વિચારે છે કે ભારતના લોકોને કેટલાંક સ્લૉગન્સથી મૂર્ખ બનાવી શકાય છે.
નલિન કોહલી, બીજેપીના પ્રવક્તા

national news rahul gandhi