જે અભિમન્યુ સાથે થયું હતું એવું આજે ભારતના લોકો સાથે થઈ રહ્યું છે

30 July, 2024 08:15 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મહાભારતના ચક્રવ્યૂહની વાત આધુનિક ભારત સાથે સાંકળી રાહુલ ગાંધીએ

રાહુલ ગાંધી

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે બજેટ પર ભાષણ આપતાં મહાભારત કાળના ચક્રવ્યૂહની વાતને આધુનિક ભારત સાથે સાંકળીને કહ્યું હતું કે ‘જે અભિમન્યુ સાથે થયું હતું એવું આજે ભારતના લોકો સાથે થઈ રહ્યું છે. યુવાનો, ખેડૂતો, માતાઓ, બહેનો, નાના અને મધ્યમ વેપારીઓ સાથે બજેટમાં એ જ કરવામાં આવ્યું છે જે મહાભારતમાં અભિમન્યુ સાથે કરવામાં આવ્યું હતું.’

આ મુદ્દે રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે ‘મેં ચક્રવ્યૂહ વિશે રિસર્ચ કર્યું તો જાણવા મળ્યું કે એનું એક નામ પદ્‍‍મવ્યૂહ પણ છે, જે કમળ આકારનું હોય છે. ૨૧મી સદીમાં ભારતમાં પણ જે ચક્રવ્યૂહ તૈયાર થયું છે એ પણ કમળના આકારમાં છે જેનું ચિહ્‍‍ન વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની છાતી પર લગાવીને ફરે છે. યુવાનોને પેપર-લીક અને બેરોજગારીના ચક્રવ્યૂહમાં ફસાવવામાં આવી રહ્યા છે, જવાનોને અગ્નિવીરના ચક્રવ્યૂહમાં ફસાવાઈ રહ્યા છે. સરકારે ખેડૂતોને ફસાવવા ત્રણ કૃષિ કાનૂનોનો ચક્રવ્યૂહ રચ્યો હતો. અમારી સરકાર બનશે તો આ ચક્રવ્યૂહને તોડી નાખવામાં આવશે.’

rahul gandhi Lok Sabha congress national news