08 August, 2025 11:27 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે કર્ણાટકમાં પ્રેસ-કૉન્ફરન્સ યોજીને રાહુલ ગાંધીએ કર્ણાટકની મહાદેવપુર બેઠકમાં થયેલી ‘વોટચોરી’ વિશેની વિગતો જાહેર કરી હતી.
ગઈ કાલે કર્ણાટકમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ-કૉન્ફરન્સ યોજીને ઇલેક્શન કમિશન પર ગંભીર આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી ગોઠવાયેલી હતી અને કૉન્ગ્રેસ પાર્ટીએ કરેલા રિસર્ચમાં એ વાત બહાર આવી હતી કે મોટા પ્રમાણમાં વોટચોરી થઈ હતી.
રાહુલ ગાંધીએ આ પ્રેસ-કૉન્ફરન્સમાં વિગતવાર માહિતી જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘કર્ણાટકની મહાદેવપુર વિધાનસભા બેઠકમાં ૧,૦૦,૨૫૦ વોટોની ચોરી થઈ હતી. કૉન્ગ્રેસે અન્ય બેઠકો જીતી હતી, પણ મહાદેવપુરા બેઠક BJPએ જીતી હતી. અમારા આંતરિક સર્વેમાં સ્પષ્ટ હતું કે કૉન્ગ્રેસને કર્ણાટકમાં ૧૬ બેઠકો મળી રહી હતી, પણ અમે ૯ જીત્યા. અમે હારેલી ૭ બેઠક પર ફોકસ કર્યું. અમે એક લોકસભા બેઠકના અભ્યાસ માટે એક વિધાનસભા વિસ્તારનો અભ્યાસ કર્યો. એ માટે મહાદેવપુરની પસંદગી કરી. વિધાનસભાની છ બેઠકમાં કૉન્ગ્રેસની જીત છતાં આ એક બેઠક BJP જીતી એટલે લોકસભાની બેઠક BJPના ભાગે ગઈ. આ બેઠક પર ૧,૦૦,૨૫૦ વોટોની ચોરી થઈ હતી. એ માટે પાંચ રીતનો ઉપયોગ થયો હતો. બનાવટી વોટર આઇડી, બનાવટી સરનામાં અને એક જ સરનામા પર ઘણાબધા મતદારોનાં નામની નોંધણી, એક જ બિલ્ડિંગમાં ૫૦-૬૦ મતદારોનાં નામ નોંધાયાં હતાં; પણ અમે ત્યાં જઈને તપાસ કરી તો ત્યાં તો કોઈ રહેતું નહોતું, માત્ર એક પરિવાર રહેતો હતો.’
રાહુલ ગાંધીએ એવો પણ આરોપ કર્યો હતો કે ફૉર્મ-6 નવા મતદારને મતદાન કરવાનો અધિકાર આપે છે એનો વ્યાપક દુરુપયોગ પણ કરવામાં આવ્યો હતો.
કૉન્ગ્રેસ કરશે વોટ અધિકાર રૅલી
રાહુલ ગાંધીએ જાહેર કરેલી ‘વોટચોરી’ પછી કર્ણાટકમાં કૉન્ગ્રેસ દ્વારા આજે વોટ અધિકાર રૅલીનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ગેરરીતિના આરોપ સાથે આ રૅલીનું આયોજન કૉન્ગ્રેસે કર્યું છે. બૅન્ગલોરના ફ્રીડમ પાર્કમાં આ રૅલી દરમ્યાન કૉન્ગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે.
ચૂંટણીપંચે કહ્યું કે નામની યાદી આપો
ચૂંટણીપંચે રાહુલ ગાંધીના આરોપો પર કહ્યું હતું કે ‘અમે જૂન મહિનાથી રાહુલ ગાંધીને પુરાવા સાથે આવવા આમંત્રણ આપ્યું છે, પણ તેઓ આવ્યા નથી. અમારા પત્ર કે ઈ-મેઇલનો પણ તેમણે જવાબ આપ્યો નથી. આ બધાનું કારણ એ જ છે કે તેઓ પાયાવિહોણા આરોપો કરી રહ્યા છે.’
ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સ પછી કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીએ ગઈ કાલે રાહુલ ગાંધીને પત્ર લખીને કહ્યું હતું કે ‘તમે પ્રેસ-કૉન્ફરન્સમાં દાવો કર્યો છે કે મતદારયાદીમાં પાત્ર મતદારોનાં નામ કાઢી દેવામાં આવ્યાં હતાં અને અપાત્ર મતદારોનાં નામ ઉમેરવામાં આવ્યાં હતાં. તો તે બધાનાં નામની યાદી તમારા સોગંદનામા સાથે જમા કરાવવા વિનંતી છે.’
આ જનાદેશનું અપમાન છે એમ જણાવીને BJPએ કહ્યું...
પુરાવા લઈને ચૂંટણીપંચ પાસે કેમ નથી જતા?
BJPના નેતાઓએ રાહુલ ગાંધીએ લગાવેલા વોટચોરીના આરોપોને વખોડી કાઢ્યા હતા અને કહ્યું હતું કે ‘વિપક્ષના નેતા રાહુલ ગાંધી બેજવાબદાર અને બેશરમ નિવેદનો કરી રહ્યા છે. તમે જનતાના મૅન્ડેટનું અપમાન કરી રહ્યા છો. દેશવાસીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વોટ આપી રહ્યા છે અને તમે એને ફ્રૉડ કહી રહ્યા છો. આ જનાદેશનું અપમાન છે. લોકો તેમને મત નથી આપતા એટલે રાહુલ ગાંધી અકળાયેલા છે. તેમણે એ સમજવું પડશે કે ચૂંટણીમાં તેમના પરિવારનો વિજય થાય એ જ લોકશાહીની વ્યાખ્યા નથી. કૉન્ગ્રેસ અને એના સાથી પક્ષો પોતે જીતે ત્યારે કશું બોલતા નથી અને હારે ત્યારે ચૂંટણીપંચ પર આરોપો લગાવે છે. અરે, એ તો ઠીક, ચૂંટણીપંચ તમને પુરાવા લઈને બોલાવે છે તો ત્યાં કેમ નથી જતા?’
બિહારમાં મતદાતા અધિકાર યાત્રા કરશે રાહુલ ગાંધી
બિહારમાં ચૂંટણીપંચ દ્વારા સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન દ્વારા મતદાતાઓને તેમના મતાધિકારથી વંચિત રાખવામાં આવતા હોવાનો આરોપ કૉન્ગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ મૂક્યો છે. ગઈ કાલે બિહાર કૉન્ગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે રાહુલ ગાંધી આ મુદ્દા સાથે બિહારમાં પદયાત્રા પર નીકળશે. તેઓ ૧૭ ઑગસ્ટે રોહતાસ જિલ્લાથી પદયાત્રાની શરૂઆત કરશે. ૧૫ દિવસની આ યાત્રા પટનામાં પૂરી થશે. આ યાત્રામાં કૉન્ગ્રેસના સાથી પક્ષો અને કૉન્ગ્રેસના અગ્રણી નેતાઓ પણ જોડાશે.