21 June, 2025 10:44 AM IST | Dehradun | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસ માટે ઉત્તરાખંડમાં છે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસ માટે ઉત્તરાખંડમાં છે. ગઈ કાલે તેમણે દેહરાદૂનમાં રાષ્ટ્રપતિ-નિકેતન અને રાષ્ટ્રપતિ-તપોવનનું લોકાર્પણ કર્યું હતું. પહેલી જુલાઈથી આ બન્ને આમ જનતા માટે ખુલ્લાં મુકાશે.
રાષ્ટ્રપતિ-તપોવન હિમાલયની તળેટીમાં ૧૯ એકરમાં વિસ્તરેલું જંગલ છે જ્યાં દેશી વનસ્પતિઓથી સમૃદ્ધ ગાઢ જંગલ છે. એમાં ૧૧૭ વનસ્પતિઓની પ્રજાતિ, બાવન પ્રકારનાં પતંગિયાં અને ૪૧ પંખીઓની પ્રજાતિ તેમ જ સાત જંગલી સસ્તન પ્રાણીઓ છે. આ ક્ષેત્રમાં પ્રાકૃતિક વાંસનો ઉપયોગ કરીને એકાંત વનસ્થળી કુટિર પણ બનાવી છે.
રાષ્ટ્રપતિ-નિકેતનની સ્થાપના ૧૯૭૬માં રાષ્ટ્રપતિના નિવાસ તરીકે થઈ હતી. એની સમૃદ્ધ વિરાસત ૧૮૩૮થી ચાલી આવે છે. એ સમયે આ એસ્ટેટ ગવર્નર જનરલ માટે ઉનાળાના આવાસ તરીકે વપરાતી હતી. આ વન ૨૧ એકરમાં ફેલાયેલું છે જેમાં લિલી લેક, ઐતિહાસિક ઇમારતો, બાગ છે.
રાષ્ટ્રપતિની આંખોમાં આંસુ
ગઈ કાલે રાષ્ટ્રપતિ મુર્મુનો જન્મદિવસ હતો. દર વર્ષની જેમ તેમણે આ વર્ષે પણ જન્મદિવસ દિવ્યાંગ બાળકો સાથે ગાળ્યો હતો. દેહરાદૂનની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ધ એમ્પાવરમેન્ટ ઑફ પર્સન્સ વિધ વિઝ્યુઅલ ડિસેબિલિટીઝ સંસ્થાનાં બાળકોને તેઓ મળ્યાં હતાં. બાળકોએ તેમને ‘હૅપી બર્થ-ડે’ સૉન્ગ ગાઈને વિશ કર્યું ત્યારે તેમની આંખો ભીની થઈ ગઈ હતી.