20 March, 2023 03:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
પટના જંક્શન (Patna Junction) પર પ્લેટફોર્મ પર લગાવેલી ટીવી સ્ક્રીન પર ચાલી રહેલી જાહેરાતની જગ્યાએ અચાનક અશ્લીલ વીડિયો (Obscene Clip Played on Patna Station) દેખાવા લાગ્યા હતો, જેને કારણે સ્ટેશન પર વિચિત્ર વાતાવરણ સર્જાયું હતું. આ ક્લિપ લગભગ ત્રણ મિનિટ સુધી ચાલી અને પછી જંકશન પર ચકચાર મચી ગઈ હતી. તે જ સમયે, મુસાફરો ગુસ્સે થઈ ગયા અને રેલવે મેનેજર પર રોષે ભરાયા હતા. ટીવી સ્ક્રીન પર જાહેરાતોને બદલે અશ્લીલ વીડિયો દેખાતા મુસાફરોથી ભરેલા પ્લેટફોર્મ પર ખળભળાટ મચી ગયો હતો.
આરપીએફ અને જીઆરપીએ વીડિયો બંધ કર્યો
આ વીડિયોના પ્રસારણ અંગે કોઈ અધિકારીને જાણ કરવામાં આવી ન હતી. વીડિયો પ્રસારિત થતાં જ મુસાફરો ભડક્યા અને લોકોએ તરત જ આરપીએફ અને જીઆરપીને તેની જાણ કરી હતી. પોર્ન વીડિયોના પ્રસારણની માહિતી મળતા જ આરપીએફ અને જીઆરપીના જવાનો એક્શનમાં આવ્યા અને તેમણે તરત જ જાહેરાત ચલાવતી કંપનીની એજન્સીને ફોન કરીને પ્રસારણ બંધ કરાવ્યું હતું. જવાનોએ તરત જ DRM અને અન્ય વરિષ્ઠ રેલવે અધિકારીઓને પણ ઘટનાની જાણ કરી હતી.
FIR સાથે એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે
રેલવેના વાણિજ્ય વિભાગે જાહેરાત એજન્સી વિરુદ્ધ FIR નોંધી છે. આ અંગે રેલવે ડિવિઝનલ મેનેજર પ્રભાત કુમારનું કહેવું છે કે આ ખૂબ જ ગંભીર બાબત છે. એડવર્ટાઈઝિંગ એજન્સીના ઑપરેટર પર દંડ લગાવવાની સાથે તેમણે કંપનીનો રેલવે સાથેનો કરાર પણ ખતમ કરવાનો આદેશ આપ્યો છે.
માત્ર એક પ્લેટફોર્મ પર પ્રસારણનો દાવો
પોર્ન વીડિયોના પ્રસારણના સંબંધમાં અધિકારીઓનું કહેવું છે કે રવિવારે સવારે લગભગ 9:56થી 9:59 સુધી તે માત્ર પ્લેટફોર્મ નંબર 10 પર જ જોવા મળ્યો હતો, જ્યારે પટના જંકશનમાં કુલ 10 પ્લેટફોર્મ અને ત્રણ ફૂટઓવર બ્રિજ છે. દરેક પર ટીવી ઇન્સ્ટોલ છે, જ્યારે પ્રસારણ દરેક જગ્યાએ એકસાથે થાય છે, તો પછી અધિકારીઓ ફક્ત પ્લેટફોર્મ નંબર 10 પર પોર્ન વીડિયો ટેલિકાસ્ટ કરવાની વાત કેવી રીતે કરી રહ્યા છે. આ અંગે આરપીએફના ચોકી પ્રભારી સુશીલ કુમારનું કહેવું છે કે “તપાસ બાદ સ્પષ્ટ થયું કે અશ્લીલ વીડિયો પ્લેટફોર્મ નંબર 10 પર જ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો.”
કર્મચારીની ધરપકડ
રેલવે અધિકારીઓનું કહેવું છે કે જ્યારે એજન્સીના કંટ્રોલ રૂમમાં દરોડો પાડવામાં આવ્યો ત્યારે એજન્સીના કર્મચારીઓ અશ્લીલ વીડિયો જોતા જોવા મળ્યા હતા. એજન્સીના કેટલાક કર્મચારીઓને આરપીએફ અને જીઆરપી દ્વારા તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. એજન્સીના માલિકને પણ બોલાવવામાં આવ્યા છે. દરેકની પૂછપરછ કરવામાં આવી રહી છે.