09 August, 2021 06:26 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે માહિતી આપી કે, કોવિડ રસીકરણ પ્રમાણપત્ર હવે વોટ્સએપ દ્વારા મેળવી શકાય છે. આ તે સમયે એક મહત્વનું પગલું છે જ્યારે ઘણા રાજ્યોએ આંતર-રાજ્ય મુસાફરી માટે રસીકરણ પ્રમાણપત્રોનો આગ્રહ કરી રહ્યા છે અને ઘણી સંસ્થાઓ લોકોને રસીકરણના પુરાવો હોય તો જ તેમને પ્રવેશ આપે છે. હવે સરકારે વોટ્સએપના માધ્યમથી લોકોને કોવિન રસીકરણ પોર્ટલ પરથી પ્રમાણપત્રો મેળવવાનો સરળ વિકલ્પ પૂરો પાડ્યો છે.
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના કાર્યાલયે કહ્યું છે કે જે કોઈ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માંગે છે તે આપેલા નંબર પર વોટ્સએપ મેસેજ મોકલી શકે છે અને પ્રમાણ પત્ર પ્રાપ્ત કરી શકે છે. વોટ્સએપ દ્વારા પ્રમાણ પત્ર મેળવવા માટે +91 9013151515 આ નંબર પર ‘Covid Certificate’ લખીને મોકલવાનું રહેશે. ત્યાર બાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલ OTP એન્ટર કરવાનો રહેશે આ તરત જ તમને સર્ટિફિકેટ વોટ્સએપ પર મળી જશે.
જોકે, આ પ્રક્રિયા અજમાવનારા ઘણા લોકોએ કહ્યું કે તેમને ખોટા પરિણામ મળ્યા છે. કેટલાક લોકોએ કહ્યું કે પ્રમાણપત્રમાં બંને ડોઝ માટે સમાન તારીખનો ઉલ્લેખ છે. અન્ય લોકોએ ફરિયાદ કરી હતી કે તેમને જાણ કરવામાં આવી હતી કે તેમને રસી આપવામાં આવી નથી, પરંતુ તેઓને બંને ડોઝ મળ્યા છે.