વિપક્ષો રેડી, એકબીજા સાથે વાતચીત કરશે

15 April, 2023 12:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં બીજેપી વિરોધી પાર્ટીઓને એક કરવાના મિશનને પાર પાડી રહેલા નીતીશ કુમારે આમ જણાવ્યું

વિપક્ષો રેડી, એકબીજા સાથે વાતચીત કરશે

પટના ઃ બિહારના મુખ્ય પ્રધાન ની​તીશ કુમાર અત્યારે આગામી ચૂંટણીમાં બીજેપીનો સામનો કરવા માટે તમામ વિરોધ પક્ષોને સાથે લાવવાના મિશન પર છે. તેમણે ગઈ કાલે જણાવ્યું હતું કે તેમણે અનેક પાર્ટીઓ સાથે વાત કરી છે અને તેઓ તૈયાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમણે હજી કેટલીક પાર્ટીઓ સાથે વાતચીત કરવાની છે અને આ તમામ પાર્ટીઓ એકબીજા સાથે વાતચીત કરશે. જેડી (યુ)ના કાર્યકરોને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે ‘ટૂંક સમયમાં મોટા ભાગની પાર્ટીઓ સાથે આવશે. મેં કૉન્ગ્રેસ પાર્ટીના નેતાઓ સાથે વિસ્તારથી વાતચીત કરી છે અને દરેક જણ સંમત છે. મેં ગુરુવારે સીપીઆઇ સાથે પણ વાતચીત કરી હતી. મારું મિશન છે કે તમામ પાર્ટીઓ સાથે બેસે અને નક્કી કરે કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી માટે શું કરવું.’

કૉન્ગ્રેસને આંચકો, એનસીપી કર્ણાટકની ચૂંટણી લડી શકે
વિપક્ષોની એકતાના નામે કૉન્ગ્રેસના નેતાઓ સાથે શરદ પવારની મીટિંગના માત્ર એક દિવસ બાદ તેમની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીએ જાહેર કર્યું છે કે કર્ણાટકમાં આવતા મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી કદાચ એ લડશે. કર્ણાટકમાં બીજેપી, કૉન્ગ્રેસ અને જનતા દળ યુનાઇટેડ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે ત્યારે એનસીપી આ રાજ્યમાં ૧૦ મેએ યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ૪૦થી ૪૫ બેઠકો પર લડવા માટે પ્લાનિંગ કરી રહી છે. 

national news bihar nitish kumar