24 January, 2026 03:10 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ એજન્સી
ગઈ કાલે વસંતપંચમીના અવસરે પ્રયાગરાજમાં ચાલતા માઘમેળામાં ૩.૫૬ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી.
નવી મુંબઈમાં ગઈ કાલે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં ૧૧૧૧ ફુટ લાંબા તિરંગા સાથે વિવિધ સ્કૂલ-કૉલેજના અનેક વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. નેતાજીના જન્મદિવસને ‘પરાક્રમ દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે.
નવી મુંબઈ પોલીસના ઍન્ટિ-નાર્કોટિક્સ સેલે પંજાબથી હેરોઇન અને અફીણ મહારાષ્ટ્રમાં ઘુસાડવાના રૅકેટનો પર્દાફાશ કરીને ૧૫ લોકોની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં ૧.૧૯ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. રૅકેટના માસ્ટરમાઇન્ડ કુલમીત સિંહ રંધાવા ઉર્ફે ફૌજીની ૨૧ જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. તેના પુત્રો સની રંધાવા અને વિકી રંધાવાની પણ અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પંજાબથી હેરોઇન અને અફીણ લઈને ટ્રક-ડ્રાઇવરો મારફત નવી મુંબઈ પહોંચાડતા હતા અને પછી શહેરના વિવિધ ભાગોમાં વેચતા હતા એમ પોલીસ-અધિકારી જણાવ્યું હતું. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ તળોજા જેલમાં છે.
તાજેતરમાં યોજાયેલી તાતા મુંબઈ મૅરથૉનમાં સામાજિક કાર્યો માટે અત્યાર સુધીમાં ૫૩.૭ કરોડથી વધુ ફન્ડ ઊભું કરવામાં આવ્યું છે. ફન્ડરેઇઝિંગ કૅમ્પેન પાંચ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. ૨૦૦૪થી મૅરથૉન પ્લૅટફૉર્મે NGO, કૉર્પોરેટ્સ, દોડવીરો અને વ્યક્તિગત રીતે મળેલા ફન્ડરૂપે ૫૩૬ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. આ વર્ષે મોટી સંખ્યામાં પહેલી વાર ફન્ડ આપનારાની સંખ્યા વધી છે. ૧૧૦૦થી વધુ નવા ફન્ડરેઇઝર તરફથી ૫.૬ કરોડ રૂપિયા ફન્ડ મળ્યું છે. આ વર્ષે ભાગ લેનાર ૧૯૪ કૉર્પોરેટ ટીમમાંથી ૪૦ કંપનીઓએ પહેલી વાર સામાજિક કાર્યો માટે ટેકો આપ્યો છે. આ પ્લૅટફૉર્મ દ્વારા એકત્ર કરાયેલા ફન્ડથી બાળકોના શિક્ષણ, મહિલા સશક્તીકરણ, કમ્યુનિટી ડેવલપમેન્ટ, હેલ્થ, ઍનિમલ વેલ્ફેર અને પર્યાવરણ-સંરક્ષણ જેવાં કાર્યોને ટેકો મળશે.
મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પીવાના દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી ત્યાં હવે મહુ જિલ્લામાં પણ દૂષિત પાણીની સમસ્યા ઊભી થઈ છે. મહુ કૅન્ટોનમેન્ટ બોર્ડના પટ્ટીબજાર, ચંદર માર્ગ અને મોતી મહલ વિસ્તારમાં પીવાના દૂષિત પાણીને કારણે પચીસથી વધારે લોકો બીમાર થયા છે. ૯ લોકોને હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. બુધવારે સાંજે ઊલટી, પેટમાં દુખાવો અને ઝાડા થવાની ફરિયાદ બાદ દરદીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ જાણકારી પ્રાપ્ત થતાં કલેક્ટર શિવમ વર્મા રાતોરાત મહુ પહોંચ્યા હતા અને હૉસ્પિટલમાં બીમારોના ખબરઅંતર પૂછ્યા બાદ પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત લીધી હતી અને લોકો સાથે વાતચીત કરી હતી. ગઈ કાલે સવારથી જ ડોર-ટુ-ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો હતો અને જે લોકોને બીમારીનાં હળવાં લક્ષણો છે તેમને ઘરે જ દવા આપવામાં આવી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે કોઈ પણ દરદીની તબિયત ગંભીર નથી અને હૉસ્પિટલમાં દાખલ લોકોને ટૂંક સમયમાં રજા આપવામાં આવશે.
આસામમાં માઘ બિહુ ઉત્સવ ચાલી રહ્યો છે. આ ઉત્સવ આસામના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ રીતે મનાવવામાં આવે છે. મોરીગાંવમાં ત્રણ દિવસનો જોનબીલ મેળો ભરાય છે. એમાં પરંપરાગત રમતો રમવામાં આવે છે અને સૌથી વધુ આકર્ષણ હોય છે કૂકડાઓની ફાઇટનું. આખું વર્ષ કૂકડાઓને લડાઈ કરવા માટે તાલીમ આપવામાં આવે છે અને આ મેળામાં લોકો પોતપોતાના કૂકડાઓની સ્પર્ધા કરાવે છે. હવે આ ઉત્સવમાં કૂકડાઓની ફાઇટની સાથે સટ્ટો પણ બહુ રમાય છે.