News in Shorts: વધુ પડતા ટૂરિઝમને લીધે માઉન્ટ ફુજી ચેરી બ્લૉસમ ફેસ્ટિવલ રદ

07 February, 2026 09:16 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

News in Shorts: કાશ્મીરમાં તિરંગા બાઇકયાત્રાનું આયોજન; લોકસભા ૬૦ સેકન્ડથી ઓછા સમયમાં સ્થગિત અને વધુ સમાચાર

લોકોની સુખાકારી જાળવવાના અને પર્યાવરણને બચાવવાના ઉદ્દેશથી ૧૦ વર્ષથી ચાલતો ફેસ્ટિવલ રદ કરવામાં આવ્યો

મધ્ય જપાનના યામાનાશી પ્રદેશમાં આવેલા ફુજિયોશિદા શહેરમાં લગભગ ૨,૦૦,૦૦૦ લોકોને આકર્ષિત કરતો આ અઠવાડિયાનો માઉન્ટ ફુજી ચેરી બ્લૉસમ ફેસ્ટિવલ વધુ પડતા ટૂરિસ્ટો અને ટૂરિસ્ટોના ગેરવર્તનના કારણે આ વર્ષે રદ કરવામાં આવ્યો છે.  ૨૦૨૫માં લગભગ ૪.૨૭ કરોડ પ્રવાસીઓ જપાન ગયા હતા. એ અત્યાર સુધીના સૌથી વધુ છે. ૨૦૨૪માં લગભગ ૩.૭ કરોડ ટૂરિસ્ટો જપાન ગયા હતા. નબળા યેનને કારણે ઘણા લોકો જપાનની મુલાકાત લેવાનો કાર્યક્રમ બનાવે છે. જોકે ક્યોટો જેવા હૉટ-સ્પૉટ્સમાં ભીડભાડની ફરિયાદો વધી છે. ફુજિયોશિદામાં વિદેશી પ્રવાસીઓના ધસારાને કારણે ટ્રાફિક જૅમ થઈ જાય છે અને લોકો બળેલી સિગારેટનાં ઠૂંઠાં ફેંકી દેતા હોવાથી ગંદકી વધે છે. પ્રવાસીઓ ખાનગી બગીચાઓમાં પણ અતિક્રમણ કરે છે. લોકોની સુખાકારી જાળવવાના અને પર્યાવરણને બચાવવાના ઉદ્દેશથી ૧૦ વર્ષથી ચાલતો ફેસ્ટિવલ રદ કરવામાં આવ્યો છે. છેલ્લાં બે વર્ષથી પ્રવાસીઓને ટાળવા માટે વ્યુ-બ્લૉકિંગ બૅરિયર્સ પણ લગાવવામાં આવ્યાં છે. આ સિવાય એન્ટ્રી-ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

કાશ્મીરમાં તિરંગા બાઇકયાત્રાનું આયોજન

પાકિસ્તાનના કહેવાતા કાશ્મીર એકતા દિવસનો જવાબ આપવા માટે કુપવાડામાં એક સિવિલ સોસાયટી જૂથે તિરંગા બાઇકરૅલીનું આયોજન કર્યું હતું. દેશભક્તિના મજબૂત પ્રદર્શનમાં ડઝનબંધ યુવા સવારોએ ગર્વથી રાષ્ટ્રધ્વજ લઈને કાશ્મીરવિરોધી પ્રચારને નકારવા અને ભારતની એકતા અને શાંતિમાં તેમના વિશ્વાસને ફરીથી સ્થાપિત કરવા માટે શેરીઓમાં સવારી કરી હતી. આ રૅલી ત્રેહગામથી શરૂ થઈને કુપવાડા શહેરમાં સમાપ્ત થઈ હતી. આ રૅલી દ્વારા યુવાનોએ માત્ર એક સ્પષ્ટ સંદેશ મોકલ્યો હતો કે કાશ્મીર ભારતની સાથે છે.

હંગામા વચ્ચે લોકસભા ૬૦ સેકન્ડથી ઓછા સમયમાં સ્થગિત

ગઈ કાલે કૉન્ગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ સંસદભવનની બહાર અમેરિકા સાથેની ટ્રેડ-ડીલ તથા અન્ય મુદ્દાઓ સામે વિરોધ-પ્રદર્શન કર્યું હતું

ભારત-અમેરિકા વેપારસોદો, વિરોધી પક્ષના નેતા રાહુલ ગાંધીને બોલવાની મંજૂરી ન આપવી અને ૮ વિપક્ષી સંસદસભ્યોના સસ્પેન્શન સહિતના અનેક મુદ્દાઓ પર થયેલા હોબાળા વચ્ચે ગુરુવારે લોકસભા ૬૦ સેકન્ડથી ઓછા સમયમાં સ્થગિત કરવામાં આવી હતી. વિપક્ષી સંસદસભ્યોએ વડા પ્રધાનની બેઠકને ઘેરી લીધા બાદ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાનું ભાષણ આપી શક્યા નહોતા. 

કૉન્ગ્રેસના પ્રવક્તા પવન ખેડાની પોસ્ટ વાઇરલ : લોકસભા તો ઝાંકી હૈ, PMOસે ભગાના બાકી હૈ

કૉન્ગ્રેસના પ્રવક્તા પવન ખેડાની એક પોસ્ટ વાઇરલ થઈ છે જેમાં તેમણે લખ્યું છે કે ‘લોકસભા તો ઝાંકી હૈ, PMO (પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ)સે ભગાના બાકી હૈ.’ આ પોસ્ટ પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી છે. એક યુઝરે લખ્યું હતું કે આંખેં ન બતાઓ; આ રાજાશાહી નથી, લોકશાહી છે અને જનતા જનાર્દન માલિક હોય છે. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં ન આવ્યા એ સંદર્ભમાં પવન ખેડાએ આ પોસ્ટ મૂકી હતી. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે, કૉન્ગ્રેસી નેતાઓ કંઈક અજુગતું કરશે એવી જાણકારી મળ્યા બાદ મેં જ વડા પ્રધાનને ન આવવાનું કહ્યું હતું.

national news international news japan kashmir congress parliament priyanka gandhi Lok Sabha