11 November, 2023 04:06 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દીપોત્સવ માટે અયોધ્યા સજી રહી છે
દુનિયાની સૌથી વિશાળ બૅન્ક પર સાઇબર-અટૅક
વૉશિંગ્ટન : દુનિયાની સૌથી વિશાળ બૅન્કના બિઝનેસનો ડેટા એક યુએસબી સ્ટિકનો ઉપયોગ કરીને મૅનહટનમાં ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યો હતો. આ સાઇબર-અટૅકમાં એક હજાર લોકો કે કંપનીઓની સિસ્ટમને હૅક કરીને તેમના ડેટાની ચોરી કરવામાં આવી હતી. ઇન્ડસ્ટ્રિયલ ઍન્ડ કમર્શિયલ બૅન્ક ઑફ ચાઇના લિમિટેડનું અમેરિકન યુનિટ સાઇબર-અટૅકનો ભોગ બન્યું છે. આ સાઇબર-અટૅકને કારણે આ બૅન્ક ફાઇનૅન્શિયલ માર્કેટ્સમાં અમેરિકન ટ્રેઝરી સિક્યૉરિટીઝની ખરીદી અને વેચાણને સંબંધિત કામગીરી કરી શકતી નથી. આ બૅન્કની કમ્પ્યુટર સિસ્ટમને અસર થઈ છે, જેને કારણે બૅન્કની કામગીરી ખોરવાઈ ગઈ છે. ક્રિમિનલ ગૅન્ગ લોકબિટ દ્વારા આ સાઇબર-અટૅક કરવામાં આવ્યો હતો, જેનો રશિયા સાથે સંબંધ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ પહેલાં લોકબિટે બોઇંગ, આઇઓન ટ્રેડિંગ યુકે જેવી કંપનીઓ તેમ જ યુકેના રૉયલ મેઇલ પર સાઇબર-અટૅક્સ કર્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
સરકારે દિવાળી પહેલાં જ પીએફ ખાતાધારકોને આપી ગિફ્ટ
નવી દિલ્હી ઃ ફેસ્ટિવલ સીઝનમાં પીએફ ખાતાધારકોને ગિફ્ટ મળી છે. કર્મચારીઓના ખાતામાં વ્યાજના રૂપિયા આવવાનું શરૂ થઈ ગયું છે. ઈપીએફઓ (એમ્પ્લૉઇઝ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશન)એ ખાતામાં વ્યાજ જમા કરવાનું શરૂ કર્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ માટે પીએફ ખાતામાં રોકાણ પર વ્યાજ દર ૮.૧૫ ટકા છે. કેટલાક કર્મચારીઓને તેમના અકાઉન્ટમાં વ્યાજના રૂપિયા પહેલાં જ મળી ચૂક્યા છે. ઈપીએફઓ અનુસાર વ્યાજ જમા કરવાની પ્રક્રિયા પાઇપલાઇનમાં છે. એ ટૂંક સમયમાં જ પૂરી થઈ જશે. ઈપીએફઓ અનુસાર વ્યાજમાં કોઈ ઘટાડો કરવામાં નહીં આવે.
દીપોત્સવ માટે અયોધ્યા સજી રહી છે
અયોધ્યામાં ગઈ કાલે રામ કી પૈડી ખાતે સાતમા દીપોત્સવ સેલિબ્રેશન માટે એક પૅટર્નમાં મૂકવામાં આવેલા માટીના દીવડા. સમગ્ર અયોધ્યામાં દીપોત્સવ માટે જબરદસ્ત ઉત્સાહ છે. શ્રીરામજન્મભૂમિને સજાવવામાં આવી રહી છે. શ્રીરામમંદિરના ગર્ભગૃહને પણ મૅરિગોલ્ડથી સજાવવામાં આવી રહ્યું છે.