News in shorts : રાજસ્થાનના ધૌલપુરમાં ૩૫ ભેંસો નદીમાં તણાઈ ગઈ

29 July, 2025 02:13 PM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

News in shorts : જર્મનીમાં ટ્રેન ડીરેલ થઈ : ત્રણનાં મોત, બૅન્ગકૉકમાં કતલેઆમ અને વધુ સમાચાર

રાજસ્થાનના ધૌલપુરમાં ૩૫ ભેંસો નદીમાં તણાઈ ગઈ

રાજસ્થાનના ધૌલપુર જિલ્લાના એક ગામનાં ખેતરોમાં ચરતી ૩૫ જેટલી ભેંસો પાર્વતી નદીમાં તણાઈ ગઈ હતી. નદીમાં તણાઈ રહેલી ભેંસોને જોઈને નજીકના ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે કેટલીક ભેંસોને ઘણા કિલોમીટર દૂર બચાવી લીધી અને અન્ય ભેંસોની શોધખોળ ચાલુ છે. આશરે ૪ ભેંસોનાં મૃત્યુ થયાં હોવાનું જાણવા મળે છે. ભારે વરસાદના કારણે ધૌલપુરમાં પાર્વતી ડૅમમાં પાણીની આવક વધારે થતાં ડૅમના આઠ ગેટ ખોલી દેવામાં આવ્યા હતા અને તેથી પાર્વતી નદીમાં વધારે પાણીની આવક થતાં આ દુર્ઘટના બની હતી.

જર્મનીમાં ટ્રેન ડીરેલ થઈ : ત્રણનાં મોત

ગઈ કાલે દક્ષિણ-પશ્ચિમ જર્મની વિસ્તારમાં એક ટ્રેનના બે ડબ્બા જંગલની વચ્ચોવચ પાટા પરથી સરકી જતાં મોટી દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે અને પચાસ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટ્રેનમાં દુર્ઘટના સમયે ૧૦૦થી વધુ મુસાફરો હતા.

ભારતમાં ઑનલાઇન શૉપિંગ માત્ર ૨૦-૨૫ ટકા ઇન્ટરનેટ-યુઝર્સ કરે છે

તાજેતરમાં જાહેર થયેલા એક રિપોર્ટ પ્રમાણે આવનારાં વર્ષોમાં ભારતનું ઈ-કૉમર્સ માર્કેટ હજી અનેકગણું વધવાનું છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ભારતમાં ઇન્ટરનેટ વાપરતા ૮૫ કરોડ લોકોમાંથી માત્ર ૨૦થી પચીસ ટકા લોકો જ ઑનલાઇન શૉપિંગ કરી રહ્યા છે. અમેરિકા અને ચીનની સરખામણીમાં આ આંકડો ખૂબ જ ઓછો છે, ત્યાં ૮૫ ટકાથી વધારે ઇન્ટરનેટ વપરાશકારો ઑનલાઇન શૉપિંગ કરે છે.

બૅન્ગકૉકમાં કતલેઆમ

પાંચ સિક્યૉરિટી ગાર્ડની હત્યા કર્યા બાદ હુમલાખોરે કરી લીધી આત્મહત્યા

થાઇલૅન્ડની રાજધાની બૅન્ગકૉકમાં ગઈ કાલે બજારમાં આવેલા એક બંદૂકધારીએ આડેધડ ગોળીબાર કરીને પાંચ સિક્યૉરિટી ગાર્ડની હત્યા કરી હતી અને એ પછી પોતે આત્મહત્યા કરી લીધી હતી. ગોળીબારમાં બે જણ ઘાયલ થયા હતા. જોકે આ ગોળીબારમાં કોઈ સહેલાણીને ઈજા થઈ નહોતી. આ ગોળીબાર કૃષિ પેદાશો અને સ્થાનિક ફૂડ માટે જાણીતી ઓર ટોર કોર માર્કેટમાં થયો હતો.

પાકિસ્તાનમાં વરસાદને લીધે ૨૭૧નાં મોત

પાકિસ્તાન માટે આ ચોમાસું કાળસમાનરહ્યું છે. પાછલા એક મહિના જેટલા સમયથી પાકિસ્તાનના વિવિધ વિસ્તારો ભારે વરસાદ, પૂર સહિતની કુદરતી આપત્તિઓનો સામનો કરી રહ્યા છે. આ વર્ષે ભારે વરસાદને લીધે પાકિસ્તાનમાં થયેલી જાનહાનિનો આંકડો ૨૭૧ સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત ૬૫૫થી વધારે લોકો વરસાદમાં ઈજાગ્રસ્ત થયા છે.

છે વર્લ્ડ-ક્લાસ મુંબઈ-ગોવા હાઇવે

રત્નાગિરિ જિલ્લાના સંગમેશ્વરના કાંતે ગામ પાસે મુંબઈ-ગોવા હાઇવેની હાલત જુઓ. રસ્તાને બદલે માત્ર ખાડા જ દેખાય છે એ આ હવાઈ તસવીરમાં બરાબર દેખાય છે.

બૅડ્‍મિન્ટન રમતી વખતે માત્ર ૨૫ વર્ષનો યુવાન ઢળી પડ્યો

હૈદરાબાદના એક સ્ટેડિયમમાં રવિવારે રાત્રે બૅડ્‍મિન્ટન રમતી વખતે ૨૫ વર્ષના યુવાન રાકેશનું હાર્ટ-અટૅકના હુમલાથી મૃત્યુ થયું હતું. રાકેશ એક કાર શોરૂમમાં કામ કરતો હતો. રમત દરમિયાન રાકેશ અચાનક કોર્ટ પર પડી ગયો હતો. તેના મિત્રો તેને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પ્રાથમિક તપાસમાં ડૉક્ટરોએ મૃત્યુનું કારણ હાર્ટ-અટૅક હોવાનું જણાવ્યું હતું. 

મુંગેરમાં ટ્રૅક્ટર અને પટનામાં બ્લુટૂથનું પ્રમાણપત્ર

બિહારમાં આવો કેસ પહેલો નથી, આ પહેલાં મધેપુરામાં એક મહિલાના મતદાર ઓળખ કાર્ડ પર મુખ્ય પ્રધાન નીતિશ કુમારનો ફોટો લગાવવામાં આવ્યો હતો. મુંગેરમાં એક ટ્રૅક્ટરનું અને પટનાના બારહ સબડિવિઝનમાં એક બ્લુટૂથ ડિવાઇસનું રહેઠાણ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું હતું એટલું જ નહીં, ત્રણેય પ્રમાણપત્રને સરકારી વેબસાઇટ પર અપલોડ પણ કરવામાં આવ્યાં હતાં.

rajasthan national news news Weather Update monsoon news