News In Shorts : રાજસ્થાનમાં અકસ્માતમાં ૭ બાળકો સહિત ૧૧ મૃત્યુ

14 August, 2025 01:50 PM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

News In Shorts : મહિનાના ખાસ દિવસો માટે રજા હોવી જોઈએ, અત્ર તત્ર સર્વત્ર તિરંગાની શાન, વધુ સમાચાર

રાજસ્થાનમાં અકસ્માતમાં ૭ બાળકો સહિત ૧૧ મૃત્યુ

રાજસ્થાનના દૌસા જિલ્લામાં ગઈ કાલે પિકઅપ વૅનને એક કન્ટેનરે પાછળથી ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૩ મહિલાઓ અને ૭ બાળકો સહિત ઉત્તર પ્રદેશના ૧૧ લોકોએ જીવ ગુમાવ્યો હતો. એક ડઝનથી વધુ ભાવિકો મૅક્સ પિકઅપમાં ખાટુ શ્યામજીનાં દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા પછી બધા પાછા ફરી રહ્યા ત્યારે આ અકસ્માત થયો હતો. પાછળથી આવી રહેલા એક હાઈ-સ્પીડ કન્ટેનરે પિકઅપને ટક્કર મારી હતી.

મહિનાના ખાસ દિવસો માટે રજા હોવી જોઈએ

ગઈ કાલે નવી દિલ્હીમાં નૅશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયાની સપોર્ટરોએ દિલ્હી યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓને દર સેમેસ્ટરમાં ૧૨ મેન્સ્ટ્રુઅલ લીવ એટલે કે  માસિક ચક્રના દિવસો દરમ્યાન રજા મળે એ માટે નારાબાજી કરીને ડિમાન્ડ મૂકી હતી.

NRI બિઝનેસમૅન સાથે પ્રેમપ્રકરણ રચીને જમીન અપાવવાના બહાને ૪.૨ કરોડ રૂપિયાની છેતરપિંડી

બાંદરા-વેસ્ટમાં રહેતા નૉન-રેસિડન્ટ ઇન્ડિયન (NRI) બિઝનેસમૅન સાથે જમીન ખરીદવાની બાબતે ૪.૨ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. ૬૨ વર્ષના રૉબિન કરમચંદાણીએ ખાર પોલીસ-સ્ટેશનમાં કરેલી ફરિયાદ મુજબ આરોપી મહિલાને તેઓ ૨૦૨૧માં મળ્યા હતા. ત્યારથી પ્રેમનું નાટક કરીને તેમની સાથે લગ્ન કરવા માટે મહિલા દબાણ કરતી હતી. દરમ્યાન માલેગાવમાં જમીન અપાવવા માટે આરોપી મહિલા અને તેના પરિવારજનોએ બિઝનેસમૅનની પાસેથી ૧.૧૭ કરોડ રૂપિયા લીધા હતા, પણ તેઓ NRI હોવાને કારણે ભારતમાં જમીન નહીં ખરીદી શકે એવી જાણ થતાં તેમણે પૈસા પાછા માગ્યા હતા. જોકે તેણે પોતાના નામે જમીન ખરીદી હોવાથી જમીન વેચીને પૈસા પાછા આપશે એમ કહીને પૈસા આપ્યા જ નહોતા. અગાઉ પણ ઇન્વેસ્ટમેન્ટના નામે ૩.૦૩ કરોડ રૂપિયા આ પરિવારે તેમની પાસેથી પડાવ્યા હતા. તેથી બિઝનેસમૅને તેમની સાથે થયેલી છેતરપિંડી સામે ૪ લોકો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અત્ર તત્ર સર્વત્ર તિરંગાની શાન

આખો દેશ સ્વાતંયદિવસ ઊજવવા સજ્જ થઈ રહ્યો છે ત્યારે ગઈ કાલે મુંબઈ મહાનગરપાલિકા અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસનાં બિલ્ડિંગોને તિરંગા રોશની કરવામાં આવી હતી. તસવીરો : શાદાબ ખાન

rajasthan road accident news national news highway national highway