મૉબ લિન્ચિંગના મુદ્દે દેશમાં જાણીતી હસ્તીઓના બે જૂથ સામસામે

27 July, 2019 09:16 AM IST  |  નવી દિલ્હી

મૉબ લિન્ચિંગના મુદ્દે દેશમાં જાણીતી હસ્તીઓના બે જૂથ સામસામે

કંગના રાનોટ, પ્રસૂન જોશી

મૉબ લિન્ચિંગની ઘટનાઓને રોકવા માટે તાજેતરમાં વિવિધ ક્ષેત્રની ૪૯ હસ્તીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. હવે આ મુદ્દે બચાવ પક્ષમાં ૬૧ જાણીતી હસ્તીઓએ પણ ખુલ્લો પત્ર લખીને આ વિરોધને ‘સિલેક્ટિવ ગુસ્સો’ ગણાવ્યો હતો. આ હસ્તીઓએ પત્ર લખીને વડા પ્રધાનને લખાયેલા પત્રને લખનાર જૂજ લોકોનો જ ગુસ્સો ગણાવ્યો હતો અને ખોટું નેરેટિવ સેટ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. જે ૬૧ લોકોએ પત્રમાં હસ્તાક્ષર કર્યા છે તેમાં અભિનેત્રી કંગના રનૌટ, લેખક પ્રસૂન જોશી, ક્લાસિકલ ડાન્સર અને સાંસદ સોનલ માનસિંહ, મ્યુઝિશિયન પંડિત વિશ્વ મોહન ભટ્ટ તેમ જ ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર તેમ જ વિવેક અગ્નિહોત્રીનો સમાવેશ થાય છે.

મોદીને પત્ર લખનારા કલાકારો અને બુદ્ધિજીવીઓને આ લોકોએ ‘સ્વયંભૂ રક્ષક’ ગણાવીને કટાક્ષ કર્યો હતો. એટલું જ નહીં તેમના પત્ર લખવાના હેતુ પર પણ સવાલ ઊભો કર્યો હતો. પત્રમાં દાવો કરાયો છે કે વિરોધનો ઉદ્દેશ રાજકીય છે. આ હસ્તીઓએ વડા પ્રધાનને પત્ર લખનારા લોકો સમક્ષ સવાલ કર્યો કે નક્સલી હુમલામાં આદિવાસીઓ અને ગરીબોનાં મોત પર આ લોકો શા માટે ચૂપ હતા.

કાશ્મીરમાં જ્યારે અલગતાવાદીઓએ શાળાઓ બંધ કરાવી ત્યારે આ બુદ્ધિજીવીઓ ક્યાં હતા. આ સાથે જ જેએનયુમાં દેશ વિરોધી સૂત્રોચ્ચાર મામલે પણ સવાલ ઉઠાવતા ૬૧ હસ્તીઓએ પત્રમાં ઉમેર્યું કે દેશના ટુકડે-ટુકડા કરીશું તેવા સૂત્રો દરમ્યાન આ લોકોએ શા માટે પોતાની વાત રજૂ કરી નહીં.

મૉબ લિન્ચિંગની વધતી ઘટના બાદ સુપ્રીમે દેશનાં તમામ રાજ્યોને ફટકારી નોટિસ

દેશમાં વધી રહેલી મૉબ લિન્ચિંગની ઘટના બાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દેશના તમામ રાજ્યની સરકારને નોટિસ ફટકારી હતી. કોર્ટે જણાવ્યું કે, ગૌરક્ષાના નામે કોઈ પણ નાગરિક કાયદાને હાથમાં ન લઈ શકે. સુપ્રીમ કોર્ટે ફટકારેલી નોટિસ બાદ તમામ રાજ્યની સરકાર પાસે જવાબ માગવામાં આવ્યો છે.

ભય અને અરાજકતાની સ્થિતિમાં રાજ્ય સરકારે સકારાત્મક રીતે કામ કરવું જોઈએ. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને એક ગાઈડલાઈન પણ જાહેર કરી છે અને જાતિ-ધર્મના નામે મૉબ લિન્ચિંગનો શિકાર બનતા લાકોને સહાય આપવાના આદેશ કોર્ટે આપ્યા છે.

આ પણ વાંચો : કર્ણાટકમાં ખિલ્યું કમળ, ચોથી વાર મુખ્યમંત્રી બન્યા યેદિયુરપ્પા

મહત્વપૂર્ણ છે કે, દેશમાં મૉબ લિન્ચિંગની વધી રહેલી ઘટના બાદ રાજકીય ઘમાસાણ શરૂ થયું છે, એથી આ મામલે સરકારે કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા છે.

kangana ranaut prasoon joshi national news supreme court