જેના આધારે ભારતની જમીન પર દાવો ઠોકતું હતું નેપાલ એ સંધિના મૂળ દસ્તાવેજો જ ગુમ

14 August, 2026 02:10 PM IST  |  Kathmandu | Gujarati Mid-day Correspondent

નેપાલ સરકારે સંસદમાં કબૂલ્યું કે સુગૌલિ સંધિના અસલી દસ્તાવેજો ક્યાં છે એ ખબર નથી

બાલેન્દ્ર શાહ

ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા વિસ્તારો પર પોતાના સાર્વભૌમત્વનો દાવો કરતી નેપાલ સરકાર હવે પોતે જ મુશ્કેલીમાં મુકાઈ છે. ૧૮૧૬ની જે ઐતિહાસિક સુગૌલી સંધિના આધારે નેપાલ આ વિસ્તારો પર પોતાનો હક જતાવતું આવ્યું છે એ સંધિના મૂળ અને અધિકૃત દસ્તાવેજો ક્યાં છે એ વિશે નેપાલ સરકાર પાસે કોઈ માહિતી જ નથી. નેપાલ સરકારે ખુદ પોતાની સંસદમાં આ વાતની કબૂલાત કરી છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર નેપાલના વિદેશપ્રધાન શિશિર ખનાલે સંસદમાં સ્વીકાર્યું હતું કે ‘સરકાર પાસે ૧૮૧૬ની સુગૌલી સંધિના અસલી દસ્તાવેજો ઉપલબ્ધ છે કે નહીં એ વિશે કોઈ સ્પષ્ટતા નથી. નૅશનલ આર્કાઇવ્ઝ અને વિવિધ સંગ્રહાલયોમાં સઘન તપાસ કરવા છતાં આ સત્તાવાર દસ્તાવેજો મળી આવ્યા નથી.’
ઉલ્લેખનીય છે કે બ્રિટિશ ઇન્ડિયા અને નેપાલ વચ્ચે થયેલી સુગૌલી સંધિ મુજબ મહાકાલી (કાલી) નદીને નેપાલની પશ્ચિમી સીમા માનવામાં આવી હતી. નેપાલના ભૂતપૂર્વ વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીના કાર્યકાળ દરમ્યાન પોતાના રાજકીય ફાયદા માટે આ સીમાવિવાદને સપાટી પર લાવવામાં આવ્યો હતો અને નેપાલના નવા નકશામાં ભારતના લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને પોતાનો હિસ્સો દર્શાવવામાં આવ્યા હતા. જોકે મૂળ દસ્તાવેજોના અભાવે હવે નેપાલના આ દાવાઓ પર મોટું પ્રશ્નાર્થચિહ્‌ન ઊભું થયું છે.

nepal kathmandu news world news international news