ઉત્તરાખંડની ગાદી પર રાવતની વિદાય બાદ રાવત બિરાજમાન

11 March, 2021 09:29 AM IST  |  New Delhi | Agency

ઉત્તરાખંડની ગાદી પર રાવતની વિદાય બાદ રાવત બિરાજમાન

ગઈ કાલે શપથ ગ્રહણ કરી રહેલા તીરથ સિંહ. તસવીર : પી.ટી.આઇ.

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાનપદેથી ત્રિવેન્દ્ર સિંહ રાવતે વિદાય લીધા પછી નવા મુખ્ય પ્રધાન તરીકે બીજેપીના પૌડી ગઢવાલના સંસદસભ્ય તીરથ સિંહ રાવતે ગઈ કાલે શપથ લીધા હતા. ગઈ કાલે સવારે બીજેપીના વિધાનસભ્યોની બેઠકમાં વિધાનસભા પક્ષના નેતા તરીકે તીરથ સિંહ રાવતની પસંદગી કરવામાં આવી હતી. ત્યાર પછી દેહરાદૂન ખાતે રાજ્યપાલ બેબી રાની મૌર્યે તીરથ સિંહને મુખ્ય પ્રધાનપદના શપથ લેવડાવ્યા હતા. રાજ્યના બીજેપીના વર્તુળોમાં ત્રિવેન્દ્ર સિંહની કાર્યશૈલી પ્રત્યે અસંતોષના સમાચારોને પગલે પરિસ્થિતિનો તાગ મેળવવા પક્ષના મોવડી મંડળે ગયા અઠવાડિયે ઉપ પ્રમુખ રમણ સિંહ અને દુષ્યંત કુમાર ગૌતમને મોકલ્યા હતા. તેમણે ત્રણેક દિવસ વિવિધ જૂથો સાથે વાતચીત કરીને કેન્દ્રીય નેતાઓને આપેલા અહેવાલને આધારે મુખ્ય પ્રધાન બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વિદાય લેતા મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહે નવા મુખ્ય પ્રધાન તરીકે તીરથ સિંહનું નામ જાહેર કર્યું હતું. શપથવિધિમાં કેન્દ્રના પ્રધાન રમેશ પોખરિયાલ ‘નિશંક’, સંસદસભ્યો અજય ભટ્ટ, માલા રાજ્યલક્ષ્મી અને નરેશ બંસલ, બીજેપીના ઉત્તરાખંડનો અખત્યાર ધરાવતા રાષ્ટ્રીય સચિવ દુષ્યંત કુમાર ગૌતમ પણ હાજર હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તીરથ સિંહની નવા મુખ્ય પ્રધાનના હોદ્દા પર વરણીના વધામણાંનો સંદેશ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખ્યો હતો.

national news uttarakhand new delhi