એક્સિડન્ટ થયા પછી પ્રિયંકા ગાંધીએ કારની વિન્ડશિલ્ડને પોતે સાફ પણ કરી

05 February, 2021 11:35 AM IST  |  Lucknow | Agency

એક્સિડન્ટ થયા પછી પ્રિયંકા ગાંધીએ કારની વિન્ડશિલ્ડને પોતે સાફ પણ કરી

રામપુર જતી વખતે કારના કાચને સાફ કરતાં તેમ જ નવરીત સિંહના પરિજનોને સાંત્વન આપી રહેલાં પ્રિયંકા ગાંઘી-વાઢેરા. તસવીર : પી.ટી.આઈ

કૉન્ગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના કાફલાને આજે હાપુડ રોડ પર અકસ્માત નડ્યો હતો. તેમના કાફ્લાની જ ચાર ગાડી અંદરોઅંદર અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કોઈને પણ ઈજા થઈ નથી. પ્રિયંકા ગાંધી પણ એકદમ સુરક્ષિત છે. આ ઘટના ગંગા ટોલ પ્લાઝા નજીક ઘટી હતી. પ્રિયંકા ઉત્તર પ્રદેશના રામપુર જઈ રહ્યાં હતાં. રામપુરમાં તે ટ્રૅક્ટર રૅલીમાં માર્યા ગયેલા ખેડૂત નવરીત સિંહના પરિજનો સાથે મુલાકાત કરવાનાં હતાં.

કૉન્ગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ગઈ કાલે ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રૅક્ટર રૅલી દરમિયાન જે ખેડૂતનું મોત થયું હતું તે નવરીત સિંહની અંતિમ અરદાસમાં સામેલ થવા માટે ઉત્તર પ્રદેશના રામપુર જઈ રહ્યાં હતાં. અહીં તેઓ નવરીત સિંહના પરિજનો સાથે મુલાકાત કરશે, પરંતુ ગઢમુક્તેશ્વરના રસ્તે ગજરૌલા થઈને રામપુર જઈ રહ્યાં હતાં ત્યારે એક ગાડીના ડ્રાઇવરે અચાનક બ્રેક લગાવી હતી અને પાછળ આવનારી ગાડીઓ પરસ્પર ટકરાઈ ગઈ. પ્રિયંકા ગાંધીના કાફલાની ચાર ગાડી અંદરોઅંદર જ અથડાઈ ગઈ હતી. જોકે સદનસીબે કોઈને ઈજા થઈ નથી. પ્રિયંકા ગાંધી પણ સુરક્ષિત છે. ગાડીઓને થોડું ઘણું નુકસાન થયું છે. ૨૬ જાન્યુઆરીએ ટ્રૅક્ટર રૅલી દરમિયાન આઈટીઓ પાસે પોલીસ બૅરિકેડ્સ તોડવાનો પ્રયાસ કરતાં ટ્રૅક્ટરે પલટી મારી હતી જેમાં નવરીત સિંહનું મોત થયું હતું.

ત્યાર બાદ દુષ્પ્રચાર ફેલાવવામાં આવ્યો હતો કે યુવકનું મોત પોલીસ ફાયરિંગમાં થયું. જોકે પાછળથી દિલ્હી પોલીસે એક વિડિયો બહાર પાડ્યો જેમાં જોવા મળ્યું કે નવરીત સિંહનું મોત પૂરપાટ ઝડપે જતું ટ્રૅક્ટર પલટી ખાઈ જતાં થયું હતું. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ટ્રૅક્ટર રૅલીમાં જીવ ગુમાવનારા ખેડૂતના ઘરે ઉત્તર પ્રદેશ જઈ રહ્યાં છે, પરંતુ બન્નેએ હિંસામાં ઘાયલ થયેલા અનેક પોલીસ-કર્મચારીઓની મુલાકાત કરી નથી કે હાલચાલ પણ જાણ્યા નથી. અત્રે જણાવવાનું કે ખેડૂતોની ટ્રૅક્ટર રૅલી દરમિયાન થયેલી હિંસામાં ૩૦૦થી વધુ પોલીસ-કર્મચારીઓ ઘાયલ થયા હતા.

national news priyanka gandhi lucknow