09 December, 2021 08:32 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફોટો/પીટીઆઈ
CDS જનરલ બિપિન રાવતનું પાર્થિવ શરીર પાલમ એરપોર્ટ પર પહોંચી ગયું છે. તેમની સાથે 12 અન્ય લોકોના મૃતદેહ પણ પાલમ એરપોર્ટ પર પહોંચ્યા છે, જેઓ આ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. હેલિકોપ્ટર ક્રેશની ઘટનામાં જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત સહિત કુલ 13 લોકોના મોત થયા હતા. આ હેલિકોપ્ટરમાં એક અધિકારી જીવતો બચી ગયો છે, તેની સારવાર બેંગ્લોરની હોસ્પિટલમાં ચાલી રહી છે.
હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા જનરલ બિપિન રાવત અને તેમની પત્નીના મૃતદેહની ઓળખ કરી લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. આ ત્રણેય મૃતદેહોમાં જનરલ બિપિન રાવતની પત્ની મધુલિકા રાવતનો પણ સમાવેશ છે. આ બે સિવાય બ્રિગેડિયર એલએસ લિડરના મૃતદેહની ઓળખ કરવામાં આવી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે CDS જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપવા તેમના નિવાસસ્થાને જશે. અન્ય ઘણા લોકો પણ શ્રદ્ધાંજલિ આપવા તેમના ઘરે જશે.
PM મોદી CDS જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપવા માટે દિલ્હીના પાલમ એરપોર્ટ જશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી લગભગ 9 વાગે ત્યાં પહોંચશે અને જનરલ રાવતના પાર્થિવ દેહ પર ફૂલ અર્પણ કરશે. આ દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ઉપરાંત ત્રણેય સેનાના વડાઓ પણ હાજર રહેશે.