26 May, 2025 11:40 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ફરી એક વાર હિન્દુઓની એકતા વિશે મોટું નિવેદન આપ્યું છે. એક ઇન્ટરવ્યુ દરમ્યાન તેમણે કહ્યું હતું કે ‘ભારતની એકતા એ હિન્દુઓની સુરક્ષાની ગૅરન્ટી છે. હિન્દુ સમાજ અને ભારત એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલાં છે અને જ્યારે હિન્દુઓ સશક્ત બનશે ત્યારે જ ભારત ગૌરવ પ્રાપ્ત કરી શકશે.’
મોહન ભાગવતે પાડોશી દેશોમાં હિન્દુઓ અને લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચાર પર માનવાધિકાર સંગઠનોના મૌનને લઈને સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું હતું કે ‘જ્યાં સુધી હિન્દુ સમાજ પોતે મજબૂત નહીં બને ત્યાં સુધી દુનિયામાં કોઈ તેમની ચિંતા કરશે નહીં. અમે વિશ્વ પર સત્તાનું વર્ચસ ઇચ્છતા નથી, પરંતુ દરેક વ્યક્તિ શાંતિપૂર્ણ, સ્વસ્થ અને સશક્ત જીવન જીવી શકે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ. રાષ્ટ્રીય સુરક્ષા ફક્ત સરકારની જવાબદારી નથી, પરંતુ એ સમાજની પણ જવાબદારી છે.’
બંગલાદેશ અને પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતીઓનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું હતું કે હવે તેઓ ત્યાંથી ભાગવાને બદલે પોતાના અધિકારો માટે લડી રહ્યા છે.