11 April, 2022 08:21 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
માયાવતી (ફાઇલ તસવીર)
દલિત નેતા માયાવતીએ ગઈ કાલે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી હતી. આ નવા વિવાદની શરૂઆત કરતાં રાહુલે શનિવારે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસે માયાવતીને ગઠબંધનની, એટલું જ નહીં, તેમને મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર બનાવવાની ઑફર કરી હતી, પરંતુ તેમણે અમારી સાથે વાતચીત જ નહોતી કરી.’ હવે માયાવતીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીની આ વાત સાવ ખોટી છે. તેમણે એમ પણ જણાવ્યું કે ‘તેઓ પોતાના વિખરાયેલા ઘરને સંભાળી શકતા નથી અને બીએસપીની ટીકા કરે છે.’
માયાવતીએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસે આવી કમેન્ટ્સ કરતાં પહેલાં ૧૦૦ વખત વિચાર કરવો જોઈએ. તેઓ બીજેપી સામે જીતી શકતા નથી, પરંતુ આવી નિરર્થક ટીકા કરતા રહે છે. કૉન્ગ્રેસે સત્તામાં અને સત્તા વિના પણ કંઈ જ કર્યું નથી.’
રાહુલે કહ્યું હતું કે માયાવતીએ સીબીઆઇ અને ઇડીના ડરથી બીજેપી પ્રત્યે નરમ વલણ અપનાવ્યું હતું. જોકે માયાવતીએ આ વાત ફગાવી દીધી હતી.
તેમણે કહ્યું હતું કે ‘હવે પ્રિયંકા ગાંધી પણ કહે છે કે મને ઈડી અને અન્ય એજન્સીઓનો ડર લાગે છે. આ બધી વાત સાચી નથી. તેમને ખ્યાલ હોવો જોઈએ કે અમે સુપ્રીમ કોર્ટમાં આ તમામ કેસ લડ્યા છીએ અને જીત્યા છીએ.’
તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીના સ્વર્ગસ્થ પિતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ પણ બહુજન સમાજ પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરી હતી.