15 February, 2022 05:40 PM IST | Bhi=ubneshwar | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઓરિસ્સામાં એક 54 વર્ષના શખ્સની દેશમાં અનેક મહિલાઓ સાથે લગ્ન કર્યા પછી તેમને ઠગવાના આરોપમાં સોમવારે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ માહિતી આપી છે. શખ્સની ઓળખ રમેશ ચંદ્ર સ્વૈન ઉર્ફે બિધૂ પ્રકાશ સ્વૈન ઉર્ફે રમાની રંજન સ્વૈન તરીકે થઈ છે, જે ઓરિસ્સાના કેન્દ્રપાડા જિલ્લાનો રહેવાસી છે.
આ અંગે મીડિયા કર્મચારીઓને માહિતી આપતા, ભુવનેશ્વરના ડીસીપી ઉમાશંકર દાસે કહ્યું કે તે વ્યક્તિની ગયા વર્ષે જુલાઈમાં અહીં મહિલા થાણાંમાં નવી દિલ્હીની એક મહિલા સ્કૂલ શિક્ષક દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદને આધારે ભુવનેશ્વરમાં ભાડાંનાં ઘરમાંથી ધરપકડ કરવામાં આવી.
દાસે કહ્યું, "કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયમાં `ડિપ્ટી ડાયરેક્ટર જનરલ` રેન્કનો અધિકારી બનીને સ્વૈને 2018માં દિલ્હી આર્ય સમાજમાં મહિલા સાથે લગ્ન કર્યા હતા. પછી, શિક્ષકને ખબર પડી કે આરોપીએ તેને દગો આપ્યો છે અને ફરિયાદ નોંધાવી."
તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે સ્વૈને `ડિપ્ટી ડિરેક્ટર જનરલ` તરીકે ફેક ઓળખ આપીને ઓછામાં ઓછી 14 મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. તે વૈવાહિક વેબસાઈટ દ્વારા પીડિતો સાથે સંપર્ક બનાવતો હતો.
સ્વૈન અધેડ ઉંમરની અવિવાહિત મહિલાઓને પોતાનો નિશાન બનાવતો હતો, જે સાથીની શોધમાં રહેતી. પોલીસ અધિકારીએ કહ્યું કે પીડિતોમાં વકીલ, શિક્ષક, ડૉક્ટર અને ઉચ્ચ શિક્ષિત મહિલાઓ, જેમાંથી મોટાભાગની ઓરિસ્સાથી બહારની છે.
દાસે કહ્યું, "તેનો એકમાત્ર ઇરાદો પૈસા એકઠા કરી મહિલાઓ સાથે લગ્ન કર્યા પછી તેમની સંપત્તિ હાંસલ કરવાનો હતો."
સ્વૈન પાંચ બાળકોનો પિતા છે. તેણે પહેલા લગ્ન 1982માં કર્યા અને બીજા 2002માં કર્યા.
તપાસ દરમિયાન, પોલીસને એ પણ ખબર પડી કે સ્વૈને પંજાબમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)ની એક મહિલા અધિકારી સાથે લગ્ન કર્યા હતા અને તેની પાસેથી 10 લાખ રૂપિયાની વસૂલી પણ કરી. ડીસીપીએ કહ્યું કે તેણે ગુરુદ્વારામાંથી 11 લાખ રૂપિયાની ઠગી કરી, જ્યાં સીએપીએફ અધિકારી સાથે વિવાહ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પહેલા, સ્વૈનની કેરળ પોલીસે 2006માં 13 બેન્કોમાંથી લગભગ એક કરોડ રૂપિયાની દગાખોરી કરવાના આરોપમાં ધરપકડ કરી હતી.
મેડિકલ કૉલેજમાં પ્રવેશ અપાવવાનો વાયદો કરી અનેક વિદ્યાર્થીઓને દગો આપ્યા બાદ હૈદરાબાદ પોલીસની એક ટાસ્ક ફૉર્સે પણ ધરપકડ કરી હતી. તેણે હૈદરાબાદના એક નર્સિંગ હોમના માલિક સહિત વિદ્યાર્થીઓ પાસેથી લગભગ 2 કરોડ રૂપિયાની વસૂલી કરી હતી.
પોલીસ પહેલાથી જ સ્વૈન દ્વારા ઠગાયેલા 14 પીડિતોમાંથી 9 સાથે સંપર્ક કરી ચૂકી છે અને તેમને શંકા છે કે અન્ય ઘણી મહિલાઓ પણ તેની શિકાર હોઈ શકે છે અને તે પોતાના સામાજિક પ્રતિષ્ઠા અને સ્થિતિમાં મુશ્કેલી આવવાના ભયે બહાર આવી શકી નહોતી.
તેના વિરુદ્ધ મહિલા થાણાંમાં આઇપીસી ધારો 498 (એ), 419, 468, 471 અને 494 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પોલીસ તેને રિમાંડ પર લઈને દગાખોરી અને પૈસાની લેવડ-દેવડની પણ તપાસ કરશે.
સ્વૈનના ભાડાના ઘરમાં પણ ઇન્વેસ્ટિગેશન અભિયાન દરમિયાન પોલીસે 11 એટીએમ કાર્ડ, જુદી જુદી ઓળખ ધરાવતા 4 આધાર કાર્ડ અને જુદી ઓળખ ધરાવતું એક બિહારની સ્કૂલનું સર્ટિફિકેટ તાબે લીધું છે.