૪૦૦૦ ફુટની ઊંચાઈએ વિમાન સાથે ટકરાયું ગીધ

03 June, 2025 11:46 AM IST  |  Jharkhand | Gujarati Mid-day Correspondent

૧૭૫ મુસાફરોના જીવ માંડ-માંડ બચ્યા, રાંચીમાં વિમાનનું ઇમર્જન્સી લૅન્ડિંગ

ગીધ ટકરાવાથી ક્ષતિગ્રસ્ત થયેલું વિમાન.

ઝારખંડના રાંચી ઍરપોર્ટ પર સોમવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. અહીં ૧૭૫ મુસાફરો સાથે પટનાથી રાંચી આવી રહેલું વિમાન લૅન્ડિંગ પહેલાં ગીધ સાથે અથડાયું હતું. આ પછી વિમાનને ૪૦ મિનિટ સુધી હવામાં રાખવામાં આવ્યું અને પાઇલટે સુરક્ષિત રીતે ઇમર્જન્સી લૅન્ડિંગ કર્યું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઇમર્જન્સી લૅન્ડિંગ રાંચીના બિરસા મુંડા ઍરપોર્ટ પર બપોરે ૧.૧૪ વાગ્યે થયું હતું. સદ્નસીબે, ફક્ત વિમાનને નુકસાન થયું હતું. એમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. ગીધની ટક્કરને કારણે વિમાનમાં ખાડો પડી ગયો છે. એન્જિનિયરો વિમાનને થયેલા નુકસાનનું સમારકામ કરવામાં વ્યસ્ત છે.

ઍરપોર્ટ ડિરેક્ટર આર. આર. મૌર્યએ જણાવ્યું હતું કે ‘રાંચી નજીક એક ઇન્ડિગો વિમાન પક્ષી સાથે અથડાયું હતું. ઘટના સમયે વિમાન ૧૦-૧૨ નૉટિકલ માઇલ દૂર ૩૦૦૦-૪૦૦૦ ફુટની ઊંચાઈએ હતું.’

jharkhand indigo ranchi airlines news national news news