એમપીમાં વ્યક્તિને માર માર્યો અને પગનાં તળિયાં ચાટવા મજબૂર પણ કર્યો

09 July, 2023 11:16 AM IST  |  Gwalior | Gujarati Mid-day Correspondent

ઘટનાનો વિડિયો વાઇરલ થયા બાદ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

મધ્ય પ્રદેશની ધરતી પરથી માનવતા માટે શરમજનક વધુ એક ઘટના બહાર આવી છે. હજી આ રાજ્યમાં એક આદિવાસી યુવક પર પેશાબ કરવાની ઘટના બાદ રાજ્ય સરકારે ડૅમેજ કન્ટ્રોલ કરવાની કોશિશ કરી ત્યાં જ બીજી એક ઘટના બની છે. એક વિડિયોમાં જોવા મળ્યું હતું કે એક વ્યક્તિને તેના હુમલાખોરના પગનાં તળિયાંને ચાટવાની ફરજ પાડવામાં આવી હતી. ગ્વાલિયરમાં ચાલુ કારમાં આ ઘટના બની હતી. જેના મામલે હંગામો થયો તો બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. પીડિત અને આરોપીઓ ગ્વાલિયર જિલ્લાના ડબરા ટાઉનના છે. આ વાઇરલ વિડિયોમાં જોવા મળ્યું હતું કે એક વ્યક્તિ પીડિતને અનેક તમાચા મારી રહ્યો છે.  એ પછી આ પીડિતને ફરજ પાડવામાં આવતાં તે એક આરોપીનાં પગનાં તળિયાંને ચાટતો જોવા મળ્યો હતો.

ડબરા સબ ડિવિઝનલ ઑફિસર ઑફ પોલીસ વિવેક કુમાર શર્માએ કહ્યું હતું કે ‘શુક્રવારે સાંજે આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં જોવા મળ્યું હતું કે એક વ્યક્તિ પર ચાલુ વાહનમાં હુમલો થયો હતો.’ 

madhya pradesh viral videos Crime News national news