20 December, 2024 04:46 PM IST | Bhopal | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં (Madhya Pradesh Bhopal) આવકવેરા વિભાગે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. અહીં આઈટીના દરોડામાં 52 કિલો સોનું અને 9.86 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ જથ્થો જંગલમાં પાર્ક કરેલી એક કારમાંથી મળી આવ્યો હતો. આટલી મોટી માત્રામાં સોનું અને રોકડ જોઈને ઈન્કમટૅક્સ વિભાગના અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. હાલ આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, ભોપાલ નજીક સ્થિત મેંદોરીના જંગલોમાં (Madhya Pradesh Bhopal) એક ત્યજી દેવાયેલી કાર પર આ દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન કારમાંથી મોટી માત્રામાં સોનું અને રોકડ મળી આવી હતી. ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે સંદર્ભે આવકવેરા વિભાગની ટીમે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર ઈનોવા કારમાંથી કુલ રૂ.9.86 કરોડની રોકડ મળી આવી હતી.
આવકવેરા વિભાગની આ કાર્યવાહીમાં 100થી વધુ પોલીસકર્મીઓની (Madhya Pradesh Bhopal) ટીમ સામેલ હતી. આ દરોડા લોકાયુક્ત અને આવકવેરા વિભાગની સંયુક્ત કાર્યવાહીનો એક ભાગ હતો જે બે દિવસથી ચાલી રહી હતી. આ પહેલા આવકવેરા વિભાગે ભોપાલ અને ઈન્દોરમાં એક મોટી કન્સ્ટ્રક્શન કંપનીના 51 સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન આટલી મોટી માત્રામાં સોનું અને રોકડ જોઈને ઈન્કમટૅક્સ વિભાગના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અધિકારીઓનું કહેવું છે કે મેંદોરીના જંગલોમાં જપ્ત કરાયેલી કારમાંથી 52 કિલો સોના ઉપરાંત લગભગ 9 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે, જેને વિભાગે પોતાની કસ્ટડીમાં લઈ લીધા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં કન્સ્ટ્રક્શન કંપની પર ટૅક્સ ચોરી (Madhya Pradesh Bhopal) અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. વિભાગ દ્વારા આ સંદર્ભે તપાસ વધારી દેવામાં આવી છે અને સંબંધિત દસ્તાવેજો અને પુરાવાઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. આ દરોડા બાદ રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. અધિકારીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આટલી મોટી રોકડ અને સોનું ક્યાંથી આવ્યું અને તેનો ઉપયોગ કયા હેતુ માટે કરવાનો હતો. આ સિવાય લોકાયુક્તે ભોપાલમાં પૂર્વ આરટીઓ કોન્સ્ટેબલના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા, જેમાં 2 કરોડ 85 લાખ રૂપિયા રોકડા અને 60 કિલો ચાંદીની સાથે 50 લાખ રૂપિયાના સોના અને હીરાના ઘરેણાં મળી આવ્યા હતા. આ સાથે દેશભરમાં અનેક જગ્યાએ પોલીસ, ઇડી અને ઇન્કમ ટૅક્સ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ સાથે કરોડોની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી રહી છે અને હવે ભોપાલમાં કરોડોની રકમ અને સોનું મળતા ખળભળાટ મચી ગયો છે.