BJP બની ગૂગલ પર ૧૦૦ કરોડ રૂપિયાની જાહેરાત આપનારી પહેલી પાર્ટી

27 April, 2024 03:04 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

BJPએ આ ખર્ચ ૨૦૧૮ના મે મહિનાથી અત્યાર સુધી કર્યો છે

પ્રતીકાત્મક તસવીર

ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગૂગલ અને યુટ્યુબ પર ૧૦૦ કરોડ રૂપિયાથી વધારે રકમનો ખર્ચ કર્યો છે અને આવું કરનારી એ પહેલી પાર્ટી બની ગઈ છે. BJPએ આ ખર્ચ ૨૦૧૮ના મે મહિનાથી અત્યાર સુધી કર્યો છે. ગૂગલ પણ એ સમયથી જાહેરાત વિશે ટ્રાન્સ્પરન્સી રિપોર્ટ જાહેર કરે છે.

BJPએ જેટલો ખર્ચ કર્યો છે એ કૉન્ગ્રેસ, દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (DMK) અને રાજકીય સલાહકાર ફર્મ ઇન્ડિયન પૉલિટિકલ ઍક્શન કમિટી (I-PAC)ના કુલ ખર્ચના બરાબર છે.

૩૧ મે, ૨૦૧૮થી ૨૫ એપ્રિલ, ૨૦૨૪ સુધીમાં ગૂગલની જાહેરાતોમાં BJPનો હિસ્સો ૨૬ ટકા છે. આ સમયગાળા દરમ્યાન કુલ ૩૯૦ કરોડ રૂપિયાની રાજકીય જાહેરાતો પ્રકાશિત થઈ હતી. ગૂગલની રાજકીય જાહેરાતોની પરિભાષામાં સમાચાર સંગઠનો, સરકારી પ્રચાર વિભાગો અને ઍક્ટર-રાજકીય નેતાઓવાળી કમર્શિયલ જાહેરાતનો પણ સમાવેશ છે. BJPની મોટા ભાગની જાહેરાતોમાં કર્ણાટક (૧૦.૮ કરોડ), ઉત્તર પ્રદેશ (૧૦.૩ કરોડ), રાજસ્થાન (૮.૫ કરોડ) અને દિલ્હી (૭.૬ કરોડ)નો સમાવેશ છે.

વિપક્ષોમાં કૉન્ગ્રેસે ૪૫ કરોડ રૂપિયાની જાહેરાતો આપી હતી, જેમાં કર્ણાટક અને તેલંગણ માટે ૯.૬ કરોડ પ્રત્યેક અને મધ્ય પ્રદેશ માટે ૬.૩ કરોડ રૂપિયાનો સમાવેશ છે. તામિલનાડુની સત્તાધારી DMKએ ૪૨ કરોડ રૂપિયાની જાહેરાતો આપી હતી. ૨૦૨૩માં તેલંગણની ભારત રાષ્ટ્ર સમિતિએ ૧૨ કરોડ રૂપિયા જાહેરાતો માટે ખર્ચ કર્યા હતા.

bharatiya janata party Lok Sabha Election 2024 Lok Sabha google national news