24 June, 2024 07:18 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
બિહારના સમસ્તીપુરમાં નરકટિયાગંજથી ગોરખપુર જઈ રહેલી ટ્રેન વાલ્મીકિનગર અને પનિયહવા સ્ટેશનો વચ્ચે એક પુલ પર અચાનક અટકી પડી ત્યારે લોકો પાઇલટ અજય કુમાર યાદવ અને સહાયક લોકો પાઇલટ રંજિત કુમારે પોતાનો જીવ જોખમમાં મૂકીને ટ્રેન રિપેર કરી હતી. આ ઘટનાની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે. બન્ને પાઇલટોને રેલવે પ્રશાસને ૧૦,૦૦૦ રૂપિયાના રોકડ પુરસ્કાર અને બહાદુરીભર્યા કામ માટે સર્ટિફિકેટ આપવાની જાહેરાત કરી છે.
આ ટ્રેન પુલ ક્રમાંક ૩૮૨ પરથી પસાર થતી હતી ત્યારે અચાનક લોકો એન્જિનના અનલોડર વાલ્વથી ઍર-પ્રેશર લીક થવા લાગ્યું હતું જેથી ટ્રેન અટકી પડી હતી. જ્યાંથી લીકેજ થતું હતું ત્યાં સુધી પહોંચવા માટે કોઈ રસ્તો નહોતો એટલે એક જણ પાટા પર સરકીને અને બીજો પુલ પર લટકીને વાલ્વ જ્યાં હતો ત્યાં પહોંચ્યા હતા અને વાલ્વ રિપેર કર્યો હતો. લોકોએ આ બહાદુરીભર્યા કામની તસવીરો અને વિડિયો લીધાં હતાં જે વાઇરલ થયાં છે.