28 May, 2025 06:56 AM IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
તાજેતરમાં કર્ણાટક (Karnataka)માં બનેલી સાયબર છેતરપિંડી (Karnataka Crime)ની એક ઘટનાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. વાસ્તવમાં, સાયબર છેતરપિંડીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence - AI)નો ઉપયોગ કરીને અમેરિકા (United States of America - USA)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)નો નકલી વિડિઓ બનાવ્યો હતો. આ વિડિઓ દ્વારા, તેણે એક વકીલને છેતર્યો. AI ની મદદથી બનાવેલા વિડિઓનો ઉપયોગ કરીને, સાયબર ગઠિયાઓએ ટ્રમ્પ હોટેલ ભાડા યોજનામાં રોકાણ કરવા માટે લલચાવ્યા, જેમાં ઉચ્ચ વળતરનું વચન આપવામાં આવ્યું હતું.
કર્ણાટક (Karnataka Crime)માં બનેલી આ ઘટના ૬ મેના રોજ પ્રકાશમાં આવી જ્યારે પીડિતાએ પોતાની ફરિયાદ સાથે હાવેરી સેન્ટ્રલ ક્રાઈમ પોલીસ સ્ટેશન (Haveri Central Crime Police Station)નો સંપર્ક કર્યો. પીડિત એડવોકેટે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ વર્ષે જાન્યુઆરી મહિનામાં તેમને યુટ્યુબ (Youtube) પર `ડોનાલ્ડ ટ્રમ્પ હોટેલ રેન્ટલ્સ`માં રોકાણ કરવાની તક આપતો એક વીડિયો મળ્યો. પોતાના નિવેદનમાં, એડવોકેટે જણાવ્યું હતું કે જ્યારે તેઓએ લિંક પર ક્લિક કર્યું ત્યારે તેમને મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો. ત્યારબાદ તેમને એક ફોર્મ ભરવાનું કહેવામાં આવ્યું, જેમાં તેમના બેન્ક ખાતાની વિગતો અને ભારતીય નાણાકીય વ્યવસ્થા સંહિતા - આઇએફએસસી (Indian Financial System Code – IFSC) કોડ સબમિટ કરવાનો સમાવેશ થતો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, પીડિત એડવોકેટે સૂચનાઓનું પાલન કર્યું અને તેનું ખાતું સક્રિય કરવા માટે ૧૫૦૦ રૂપિયા ચૂકવ્યા. તેને તેના રોકાણ પર દરરોજ ૩ ટકા વળતર આપવાનું વચન આપવામાં આવ્યું હતું. શરૂઆતમાં, તેમને તેમના રોકાણો પર વળતર મળ્યું અને નફો થયો. આ યોજના પર વિશ્વાસ રાખીને, તેમણે છેતરપિંડી કરનારાઓના કહેવા પર વધુ પૈસા રોકાણ કર્યા, જેથી તેમની કમાણી બમણી થઈ જાય. તેમણે ૨૫ જાન્યુઆરીથી ૪ એપ્રિલ દરમિયાન વિવિધ બેંક ખાતાઓ, UPI ID અને ડિજિટલ વોલેટમાં કુલ ૫,૯૩,૨૪૦ લાખ રૂપિયા જમા કરાવ્યા. જોકે, પછી તેમને વળતર મળવાનું બંધ થઈ ગયું અને રોકાણ કરેલી રકમ પાછી મેળવી શક્યા નહી. પોલીસે જણાવ્યું કે, IT એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) (છેતરપિંડી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન, એવું જાણવા મળ્યું કે ફરિયાદી સાથે નકલી લિંક દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસે જે બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેમાંના ૧.૫ લાખ રૂપિયા ફ્રીઝ કરી દીધા છે. એટલું જ નહીં, આ સાથે પોલીસે લોકોને સાવચેત રહેવા અને શંકાસ્પદ લિંક પર ક્લિક કરવાનું ટાળવા અપીલ કરી છે.
કર્ણાટકમાં, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના AI-જનરેટેડ વીડિયોનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક મહિનામાં કર્ણાટકના ઘણા શહેરોમાં ૨૦૦થી વધુ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ માટે, છેતરપિંડી કરનારાઓએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના AI-જનરેટેડ વીડિયોનો ઉપયોગ કર્યો હતો. સાયબર ગુનેગારોએ તેમને ઊંચા વળતરનું વચન આપીને ટ્રમ્પ હોટેલ ભાડે આપવા કહ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આ સાયબર ક્રાઇમના કેસ મોટાભાગે બેંગલુરુ (Bengaluru), તુમકુરુ (Tumkuru), મેંગલુરુ (Mangaluru) અને હાવેરી (Haveri)માં નોંધાયા છે.