કર્ણાટકમાં મુખ્ય પ્રધાને મહત્ત્વનાં મંત્રાલયો પોતાની પાસે રાખ્યાં

28 May, 2023 10:36 AM IST  |  Bangalore | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે રાજભવનમાં ૨૪ પ્રધાનોએ શપથ લીધા હતા

બૅન્ગલોરમાં રાજભવન ખાતે ગઈ કાલે શપથગ્રહણ સમારોહ દરમ્યાન કૅબિનેટમાં નવા સામેલ પ્રધાનોની સાથે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોટ, મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડી. કે. શિવકુમાર (તસવીર : પી.ટી.આઇ.)

કર્ણાટકમાં કૅબિનેટના વિસ્તરણ બાદ ગઈ કાલે ૩૪ પ્રધાનોને તેમના પોર્ટફોલિયો આપવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ મહત્ત્વનાં મંત્રાલય પોતાની પાસે રાખ્યાં છે, જ્યારે ડેપ્યુટી સીએમ ડી. કે. શિવકુમારની પાસે ઇરિગેશન અને બૅન્ગલોર ડેવલપમેન્ટ એમ બે મંત્રાલયો છે. ગઈ કાલે રાજભવનમાં ૨૪ પ્રધાનોએ શપથ લીધા હતા.

મુખ્ય પ્રધાને ફાઇનૅન્સ, કૅબિનેટ બાબતો, પર્સોનલ અને ઍડ્મિનિસ્ટ્રેટિવ સુધારા, ઇન્ટેલિજન્સ, માહિતી તેમ જ અન્ય ન ફાળવાયેલા પોર્ટફોલિયો પોતાની પાસે રાખ્યા છે.

કૉન્ગ્રેસના સિનિયર લીડર જી. પરમેશ્વરાને ગૃહ મંત્રાલય, જ્યારે કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના દીકરા પ્રિયાંક ખડગેને રૂરલ ડેવલપમેન્ટ અને પંચાયતી રાજય મંત્રાલય આપવામાં આવ્યાં છે.

પ્રધાનોના ફાઇનલ લિસ્ટને જાતિના આધારે જોઈએ તો આઠ લિંગાયત, સાત શેડ્યુલ્ડ કાસ્ટ કમ્યુનિટીઝ, પાંચ વૉક્કલિગા, બે મુસ્લિમ, ત્રણ શેડ્યુલ્ડ ટ્રાઇબ ક​મ્યુનિટીઝ અને છ અધર
બૅકવર્ડ ક્લાસિસ ગ્રુપ્સનાં, એક મરાઠા, એક બ્રાહ્મણ, એક ખ્રિસ્તી અને એક જૈન છે.  કૅબિનેટને લઈને પણ આંતરિક વિખવાદ હતો.

national news karnataka