હું પોતે યુવા છું, યુવાનોની વિરોધી કઈ રીતે હોઈ શકું?

14 August, 2026 02:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેન-ઝીને ગટરછાપ કહેવા વિશે કંગના રનોતે કરી સ્પષ્ટતા

કંગના રનૌત

કંગના રનૌતે તાજેતરમાં દેશની રાજધાની દિલ્હીના જંતર મંતર ખાતે યોજાયેલા વિદ્યાર્થી-આંદોલન દરમ્યાન જેન-ઝી વિશે કરેલી પોતાની વિવાદાસ્પદ ટિપ્પણી પર સ્પષ્ટતા રજૂ કરી છે. ગુરુવારે કંગનાએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હૅન્ડલની સ્ટોરીમાં એક વિડિયો શૅર કર્યો હતો જેમાં તેણે વિડિયો દ્વારા સમગ્ર મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.  
કૉન્ગ્રેસના એક નેતાના વિડિયોનો ઉલ્લેખ કરતાં કંગનાએ દાવો કર્યો હતો કે તેના નિવેદનને ખોટી રીતે રજૂ કરીને ગેરસમજ ઊભી કરવામાં આવી રહી છે. તેણે જણાવ્યું હતું કે ‘કૉન્ગ્રેસના એક નેતાએ એવો આરોપ લગાવ્યો છે કે મેં આખા દેશના યુવાનોને ‘ગટરછાપ’ કહ્યા છે. જો તમે આખા દેશના જેન-ઝીની વાત કરો તો તેમની વસ્તી લગભગ ૩૦થી ૩૫ કરોડ જેટલી થાય છે, જ્યારે જંતર મંતર પર માત્ર ૧૦,૦૦૦ લોકો જ એકઠા થયા હતા જેમાં અડધાથી વધુ લોકો શબાના આઝમી જેટલી ઉંમરના હતા અને ત્યાં દરેક વયજૂથના લોકો વિરોધ દર્શાવી રહ્યા હતા.’  
પોતાની વાત આગળ ધપાવતાં કંગનાએ ઉમેર્યું હતું કે ‘જો આપણે ફક્ત જેન-ઝીની વાત કરીએ તો ત્યાં લગભગ ૨૦૦૦ જેટલા જ જેન-ઝી હાજર હતા તો પછી આ લોકો આને આખા દેશના જેન-ઝીનું આંદોલન કેવી રીતે કહી શકે? મેં તો માત્ર ત્યાં એકઠા થયેલા ચોક્કસ લોકોના વર્તન વિશે વાત કરી હતી. હું ખુલ્લો પડકાર ફેંકું છું કે મારું કોઈ એવું એક ચોક્કસ નિવેદન બતાવો જેમાં મેં આખી પેઢીને આવરી લીધી હોય. મારી વિરુદ્ધ આવો બોગસ એજન્ડા ન ચલાવો. હું પોતે યુવા છું અેથી યુવાનોની વિરોધી હોઈ જ ન શકું અને હું રાહુલ ગાંધીની જેમ ૫૫-૬૦ વર્ષની ઉંમરની યુવા નથી.’

kangana ranaut jantar mantar cockroach janata party news national news