Kamal Kant Batra : કારગિલ યુદ્ધના હીરો શહીદ કૅપ્ટન વિક્રમ બત્રાના માતુશ્રી કમલ કાંતનું અવસાન

15 February, 2024 10:30 AM IST  |  Kangra | Gujarati Mid-day Online Correspondent

Kamal Kant Batra : કમલ કાંત બત્રાએ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના પાલમપુરમાં અંતિમ શ્વાસ લીધા

શહીદ વિક્રમ બત્રા અને તેમના માતા કમલ કાંત બત્રાની તસવીરનો કૉલાજ (તસવીર સૌજન્ય : ફેસબુક)

કારગીલના હીરો શહીદ કૅપ્ટન વિક્રમ બત્રા (Captain Vikram Batra)ના માતા કમલ કાંત બત્રા (Kamal Kant Batra)નું નિધન થયું છે. તેઓ ૭૭ વર્ષના હતા. તેમણે હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કાંગડા (Kangra) જિલ્લાના પાલમપુર (Palampur)માં અંતિમ શ્વાસ લીધા. હાર્ટ એટેક આવવાને કારણે કમલ કાંત બત્રાનું મૃત્યુ થયું છે. તેમના પરિવારમાં એક દીકરો અને પતિ છે.

મળતી માહિતી પ્રમાણે, શહીદ કૅપ્ટન વિક્રમ બત્રા (Captain Vikram Batra)ના માતા કમલ કાંત બત્રા (Kamal Kant Batra) છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતી. બુધવારે હૃદયરોગના હુમલાને કારણે તેમનું નિધન થયું હતું. ગુરુવારે પાલમપુરમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ (Sukhvinder Singh Sukhu)એ કમલ કાંત બત્રાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સીએમએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલા તેમના શોક સંદેશમાં કહ્યું કે, ‘તેમને શહીદ કૅપ્ટન વિક્રમ બત્રાના માતા શ્રીમતી કમલ કાંત બત્રાના નિધનના દુઃખદ સમાચાર મળ્યા છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે માતાજી તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારને અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.’

રાજ્ય ભાજપે પણ શહીદ કૅપ્ટન વિક્રમ બત્રાના માતા કમલ કાંત બત્રાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પ્રદેશ ભાજપ મહાસચિવ ત્રિલોક કપૂર (Trilok Kapoor)એ કહ્યું કે, ‘સ્વર્ગસ્થ કમલ કાંત બત્રાએ દેશને એક મહાન પુત્ર આપ્યો હતો. શહીદ વિક્રમ બત્રા કારગિલ યુદ્ધ દરમિયાન દુશ્મનો સામે લડતા લડતા શહીદ થયા હતા. ભગવાનને દિવંગત આત્માને શાંતિ આપે. ભગવાન શોકગ્રસ્ત પરિવારને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે.’

૭૭ વર્ષના કમલ કાંત બત્રાએ વર્ષ ૨૦૧૪ લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) લડ્યા હતા. તેઓ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) વતી ચૂંટણી લડ્યા હતા. જોકે, ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. બાદમાં તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ચૂંટણીના થોડા મહિના પછી, તેમણે પાર્ટીની કામગીરી અને સંગઠનાત્મક માળખા પર નારાજગી વ્યક્ત કરીને પાર્ટી છોડી હતી.

તમને જણાવી દઈએ કે, કમલ કાંત બત્રાના પુત્ર કૅપ્ટન વિક્રમ બત્રા માત્ર ૨૪ વર્ષની ઉંમરે કારગિલ યુદ્ધમાં ભારત માટે વિજયી રીતે લડતા શહીદ થયા હતા. તેમને મરણોત્તર યુદ્ધ સમયનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર, પરમ વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. કૅપ્ટન બત્રાને ઘણા ખિતાબ આપવામાં આવ્યા હતા. તેમને પ્રેમથી `ટાઈગર ઑફ દ્રાસ`, `કારગિલનો સિંહ`, `કારગિલ હીરો` અને બીજા ઘણા નામો આપવામાં આવ્યા હતા. તેમણે કારગિલ યુદ્ધમાં પ્રતિકૂળ સંજોગોમાં પણ ઓછામાં ઓછા ચાર પાકિસ્તાની સૈનિકોને માર્યા હતા. મિશન લગભગ પૂર્ણ થઈ ગયું હતું પરંતુ યુદ્ધમાં ઘાયલ થયેલા તેના સાથીદારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે તે દુશ્મનની ગોળીઓનો ભોગ બન્યા અને શહીદ થયા હતા.

himachal pradesh aam aadmi party Lok Sabha bharatiya janata party indian army national news sidharth malhotra