એક મહિનાથી ભારતના ૧૬ નાવિક ઈરાનના સમુદ્રમાં બંદી છે

17 January, 2026 10:05 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૬૦૦૦ મેટ્રિક ટન ફ્યુઅલની ચોરીનો આરોપ લગાડીને જહાજ રોક્યું હતું : ક્રૂ-મેમ્બરના પરિવારોએ નરેન્દ્ર મોદી પાસેથી માગી મદદ : દિલ્હી હાઈ કોર્ટનો કેન્દ્ર સરકારને આ ઘટનાનો સ્ટેટસ ‌રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ

ઈરાનના દરિયામાં બંધક બનેલા ભારતીય નાવિક કેતન મહેતાની તસવીર સાથે માતાપિતા

૨૦૨૫ની ૮ ડિસેમ્બરે ઈરાને એક ભારતીય બોટને જપ્ત કરીને નાવિકોને બંધક બનાવી લીધા હતા. એ દિવસે કૅપ્ટન વિનોદ પરમારને તેમના ભાઈ કમાન્ડિંગ કૅપ્ટન વિજય કુમારનો ગભરાયેલી સ્થિતિમાં ફોન આવ્યો હતો કે તેમનું જહાજ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં હોવા છતાં ઈરાની રિવૉલ્યુશનરી ગાર્ડ્સ પીછો કરી રહ્યા છે અને ફાયરિંગ થઈ રહ્યું છે. જોકે એ પછી લાઇન કટ થઈ ગઈ હતી. પરિવારજનોએ કહ્યું હતું કે એ પછી ઈરાની નૌસેના તરફથી તેમના તરફ ફાયરિંગ શરૂ થયું હતું. એ પછી ટૅન્કર જપ્ત થઈ ગયું અને તમામ ભારતીય નાવિકો રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા. આ વાતને દોઢ મહિનો થઈ ચૂક્યો છે, પરંતુ તેમની સાથે પરિવારજનોનો કોઈ સંપર્ક પણ નથી થઈ રહ્યો.

જહાજમાં ૧૬ ભારતીય, એક શ્રીલંકાનો અને એક બંગલાદેશી સભ્ય સહિત કુલ ૧૮ લોકો હતા. ઈરાની અધિકારીઓએ કોઈ સત્તાવાર રીતે ધરપકડનો આદેશ પણ જાહેર નથી કર્યો અને નાવ બંધક બનાવી દેવાનો કોઈ ઠોસ આધાર પણ નથી આપવામાં આવ્યો. ૬ જાન્યુઆરીએ નાવમાંથી ૧૦ નાવિકોને નિવેદન લખવાના નામે જહાજમાંથી બહાર લઈ જવાયા અને પછી બંદર અબ્બાસ જેલમાં મોકલી દેવાયાં છે. એમાં ચીફ ઑફિસર અનિલ સિંહ, બીજા એન્જિનિયર અને જુનિયર એન્જિનિયરો પણ સામેલ છે. ૬ જાન્યુઆરીએ અનિલ સિંહની પત્નીને એક મિનિટનો કૉલ આવ્યો હતો જેમાં તેમને જૂઠા સ્મગલિંગના આરોપમાં જેલ થઈ હોવાની વાત કહી હતી અને એ પછી કોઈ સંપર્ક નહોતો થયો.

ત્રીજા એન્જિનિયર કેતન મહેતાના પરિવારનું કહેવું છે કે જહાજ બંધક બન્યું ત્યારથી તેમના દીકરાનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો. કેતન પરિવારનો એકમાત્ર કમાઉ દીકરો છે. તેમણે વડા પ્રધાન ઑફિસને વીસથી પચીસ ઈમેઇલ મોકલી છે, પણ કોઈ જવાબ નથી આવ્યો.

જહાજ પર ફૂડ નથી
જહાજ પર ૮ ભારતીય માટે પૂરતું ખાવાનું પણ નથી. માત્ર તેમને દાળ-ભાત અને પાણી આપવામાં આવે છે. ૬૦૦૦ મેટ્રિક ટન ફ્યુઅલની તસ્કરીનો ખોટો આરોપ તેમના પર લગાડવામાં આવ્યો છે. ક્રૂ-મેમ્બરોને એક રૂમમાં બંદી બનાવીને બાંધી રખાયા છે અને માત્ર કૅપ્ટનને જ રોજ ગણતરીની મિનિટ કૉલ કરવાની અનુમતિ છે.

ભારત તરફથી શું થયું?
વિદેશ મંત્રાલય અને તેહરાનસ્થિત ભારતીય દૂતાવાસ સુધી વાત છેક ૧૭ ડિસેમ્બરે પહોંચી હતી. દૂતાવાતે બંદર અબ્બાસ સ્થિત કૉન્સ્યુલેટનો સંપર્ક કરવાની સલાહ આપી છે. હવે બંધકોના પરિવારજનો દિલ્હી હાઈ કોર્ટ પહોંચ્યા છે. કોર્ટે કેન્દ્ર સરકારને સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. 

iran united states of america donald trump indian government ministry of external affairs national news news