સ્વિગી અને ઝોમૅટોને બદલે બાળકોને તેમની મમ્મીના હાથનું ભોજન માણવા દો

14 September, 2023 09:45 AM IST  |  Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

કેરલા હાઈ કોર્ટે પૉર્નોગ્રાફીને સંબંધિત એક કેસમાં આ ઑબ્ઝર્વેશન આપ્યું

પ્રતીકાત્મક તસવીર

કેરલા હાઈ કોર્ટે એક કેસમાં જણાવ્યું હતું કે સ્વિગી અને ઝોમૅટો દ્વારા રેસ્ટોરાંમાંથી ફૂડ ખરીદવાને બદલે બાળકોને તેમની મમ્મી દ્વારા બનાવવામાં આવતું સ્વાદિષ્ટ ભોજનનો ટેસ્ટ માણવા દો.

ડિજિટલ યુગે પૉર્નને બાળકો માટે સુલભ બનાવ્યું છે. અદાલતે જણાવ્યું હતું કે ‘સ્વિગી અને ઝોમૅટો દ્વારા રેસ્ટોરાંમાંથી ફૂડ ખરીદવાને બદલે બાળકોને તેમની મમ્મી દ્વારા બનાવવામાં આવતું સ્વાદિષ્ટ ભોજનનો ટેસ્ટ માણવા દો અને બાળકોને પ્લેગ્રાઉન્ડ્સમાં રમવા દો. તેઓ જ્યારે રમીને ઘરે પાછાં આવે ત્યારે તેમને તેમની મમ્મીના ફૂડની મંત્રમુગ્ધ કરનારી સ્મેલ માણવા દો.’

જજે આ કેસના ચુકાદામાં જણાવ્યું હતું કે બીજા કોઈને બતાવ્યા વિના પોતાના પ્રાઇવેટ ટાઇમમાં પૉર્નોગ્રાફિક ફોટોગ્રાફ્સ કે વિડિયોઝ જોવા એ કાયદા હેઠળ અપરાધ નથી, કેમ કે એ વ્યક્તિગત ચૉઇસની બાબત છે. જસ્ટિસ પી. વી. કુ​ન્હીક્રિષ્નને ૩૩ વર્ષની એક વ્યક્તિની વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ ૨૯૨ હેઠળ અશ્લીલતાના કેસને ફગાવી દઈને આ ચુકાદો આપ્યો હતો. પોલીસે આ વ્યક્તિને ૨૦૧૬માં રોડસાઇડ તેના મોબાઇલમાં પૉર્ન વિડિયોઝ જોતાં પકડ્યો હતો.

પૉર્નોગ્રાફી માટે સલાહ

ઓછી ઉંમરનાં બાળકોના હાથમાં મોબાઇલ પહોંચી ગયો છે ત્યારે એના નુકસાન વિશે પણ અદાલતે જણાવ્યું હતું. અદાલતે કહ્યું હતું કે ‘હું આપણા દેશનાં સગીર બાળકોના પેરન્ટ્સને કંઈક યાદ અપાવવા ઇચ્છું છું. બની શકે છે કે પૉર્નોગ્રાફી જોવી ગુનો ન હોય, પરંતુ નાનાં બાળકો પૉર્ન વિડિયો જોવા લાગશે તો એની ખૂબ જ અસર થશે. બાળકોને તેમના ફ્રી સમયમાં ક્રિકેટ કે ફુટબૉલ કે અન્ય રમત રમવા દો. બાળકોને તેમની મમ્મીના હાથનું સ્વાદિષ્ટ ભોજન આપો. બાળકોને ગ્રાઉન્ડમાં રમવા દો.’  

kerala zomato swiggy national news