ઘાયલ વાઘણ વધુ ખતરનાક હોય

15 March, 2021 04:28 PM IST  |  Kolkata | Agencies

ઘાયલ વાઘણ વધુ ખતરનાક હોય

ગઈ કાલે કલકત્તામાં રોડ-શો દરમ્યાન સમર્થકો સાથે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી. પી.ટી.આઇ.

અહીંની એસએસકેએમ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાના એક દિવસ બાદ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ ગઈ કાલે ભત્રીજા અને સંસદસભ્ય અભિષેક બૅનરજી સાથે કલકત્તામાં આયોજિત રોડ-શોમાં ભાગ લીધો હતો. સત્તાધારી પક્ષ તૃણમૂલ કૉન્ગ્રેસ દ્વારા માયો રોડથી પાંચ કિલોમીટર સુધીના નંદીગ્રામ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૦૦૭માં જમીન અધિગ્રહણ સામે થયેલા વિરોધ દરમ્યાન પોલીસ-ફાયરિંગમાં માર્યા ગયેલા ૧૪ લોકોની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દરમ્યાન મમતાએ કહ્યું હતું કે ઈજાગ્રસ્ત વાઘ વધુ ખતરનાક હોય છે.
પોતાના હજારો સમર્થકો સાથે વ્હીલચૅરમાં બેસીને રૅલીની આગેવાની લેતાં બૅનરજીએ કહ્યું હતું કે ‘બંગાળના લોકોના લોકશાહી હકોને રક્ષા કરતાં તેમને કોઈ રોકી નહીં શકે. મને હજી પણ દુખે છે, પરંતુ મારા લોકોનું દુઃખ એના કરતાં પણ વધુ છે. જીવન દરમ્યાન મારા પર અનેક હુમલા થયા છે, પરંતુ મેં ક્યારેય શરણાગતિ નથી સ્વીકારી. ઘાયલ વાઘ વધુ ખતરનાક હોય છે.’૧૦ માર્ચે નંદીગ્રામમાં ઉમેદવારી ભર્યાં બાદ પ્રચાર દરમ્યાન તેમના ડાબા પગમાં ઈજા થઈ હતી. આ ઘટનાને ટીએમસીએ બીજેપી દ્વારા કરવામાં આવ્યો હુમલો ગણાવ્યો હતો. ચૂંટણીપંચે પણ હુમલાની વાતને નકારી કાઢી હતી.

મમતાને હુમલાથી ઈજા નથી થઈ : ચૂંટણીપંચ
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉન્ગ્રેસનાં પ્રમુખ મમતા બૅનરજીને રોડ-શો દરમ્યાન ઈજાઓ હુમલાને કારણે થયાની શક્યતાઓ ચૂંટણીપંચે નકારી હતી. બે ચૂંટણી નિરીક્ષક અને રાજ્ય સરકારના અહેવાલને આધારે ચૂંટણીપંચનાં સૂત્રોએ જણાવ્યું હતું કે મમતા બૅનરજીને તેમના સિક્યૉરિટી ઇન્ચાર્જની ગફલત-બેદરકારીને કારણે ઈજા થઈ છે. ચૂંટણીપંચ એ બાબતે નિર્દેશો બહાર પાડનાર હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

ડિરેક્ટર સિક્યૉરિટી અને એસપી સસ્પેન્ડ કરાયા
મમતા બૅનરજીને નંદીગ્રામની જે ઘટનામાં ઈજા પહોંચી હતી એના સંદર્ભે તેમની સુરક્ષાની જવાબદારી સંભાળતા ડિરેક્ટર સિક્યૉરિટી વિવેક સહાય અને પુરબા મેદનીપુરના એસપી પ્રવીણ પ્રકાશને ગઈ કાલે સસ્પેન્ડ કરાયા હોવાનું ચૂંટણીપંચે જણાવ્યું હતું. આ ઘટના સંદર્ભે ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ વિભુ ગોયલને તેમના પદ પરથી દૂર કરી તેમની નિમણૂક ચૂંટણી સિવાયના પદ પર કરી હતી એમ પણ જણાવાયું હતું. ૧૦ માર્ચે મમતા બૅનરજી સાથે નંદીગ્રામમાં બનેલી ઘટના સંબંધે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ તથા ખાસ સામાન્ય નિરીક્ષકો અજય નાયક અને વિવેક દુબે દ્વારા સંયુક્તપણે સુપરત કરાયેલા રિપોર્ટને પગલે નિર્ણય લેવાયો હતો.

mamata banerjee kolkata national news