પાંચથી ૧૫ ડિસેમ્બર સુધી ફ્લાઇટ કૅન્સલેશનમાં સંપૂર્ણ રીફન્ડની ઇન્ડિગોની ઑફર

06 December, 2025 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રૂની શૉર્ટેજને કારણે ફ્લાઇટો રદ થવાથી ઇન્ડિગોએ હવે પાઇલટ્સની લીવ બાયબૅક કરવાનો પ્રસ્તાવ મૂક્યો

મુંબઈ ઍરપોર્ટ પર કૅન્સલ થયેલી ફ્લાઇટનું રીફન્ડ લેવાની પ્રક્રિયા કરાવવા માટે ગઈ કાલે ભારે ધસારો હતો

ઇન્ડિગોએ ગઈ કાલે જાહેરાત કરી હતી કે એ પાંચથી ૧૫ ડિસેમ્બર વચ્ચે રદ કરાયેલી બધી ફ્લાઇટ્સ માટે સંપૂર્ણ રીફન્ડ ઑફર કરશે. ટિકિટ-ખરીદી માટે જે મોડથી પેમેન્ટ કરવામાં આવ્યું હતું એ મોડથી પેમેન્ટ-પ્રક્રિયા આપમેળે કરવામાં આવશે. ઇન્ડિગોએ મુસાફરોની માફી પણ માગી હતી અને કહ્યું હતું કે દેશનાં તમામ મુખ્ય ઍરપોર્ટ પર વ્યાપક અંધાધૂંધી સર્જાતાં ફ્લાઇટ કૅન્સલેશન માટે એ ખૂબ જ દુઃખી છે.

ઍરલાઇને એમ પણ કહ્યું હતું કે એણે આ સમયગાળા દરમ્યાન ટિકિટ રદ કરવા અથવા ફરીથી શેડ્યુલ કરવા પર સંપૂર્ણ છૂટ આપી છે અને મુસાફરોની અસુવિધાને ઓછી કરવા માટે ઍરપોર્ટ પર ખોરાક અને નાસ્તા સાથે હજારો હોટેલ-રૂમ અને રોડ-ટ્રાન્સપોર્ટના વિકલ્પની વ્યવસ્થા કરવામાં આવી છે તથા શક્ય હોય ત્યાં વરિષ્ઠ નાગરિકોને લાઉન્જ ઍક્સેસ આપવામાં આવી રહ્યો છે.

ઑન ટાઇમ પર્ફોર્મન્સ તળિયે

ઇન્ડિગો ઍરલાઇન એના ઑન ટાઇમ પર્ફોર્મન્સ (OTP)ના કારણે જાણીતી છે, પણ ઍરલાઇનનો OTP મંગળવારે ૩૫ ટકાથી ઘટીને બુધવારે ૧૯.૭ ટકા થયો હતો અને ગુરુવારે એ વધુ ઘટીને માત્ર ૮.૫ ટકા થયો હતો.

ક્રૂની શૉર્ટેજને કારણે ફ્લાઇટો રદ થવાથી ઇન્ડિગોએ હવે પાઇલટ્સની લીવ બાયબૅક કરવાનો પ્રસ્તાવ મૂક્યો

નવા રોસ્ટરિંગ નિયમો લાગુ કરવામાં પડકારોને કારણે પાઇલટ્સ અને ક્રૂની તીવ્ર અછતનો સામનો કરી રહેલી ઇન્ડિગો ઍરલાઇને હવે પાઇલટ્સે અરજી કરેલી રજાઓને બાયબૅક કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. દેશની સૌથી મોટી ઍરલાઇન ઇન્ડિગો દ્વારા ૨૦૨૬ની પહેલી જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી સુધી ઍરબસ વિમાનો ચલાવતા કૅપ્ટન અને ફર્સ્ટ ઑફિસર્સના દૈનિક કુલ પગારના ૧.૫ ગણા દરે બાયબૅકનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. પાઇલટ્સ કેટલી રજાઓ આપી શકે એની કોઈ મર્યાદા નથી, પરંતુ લાંબા બ્લૉક્સને પ્રાથમિકતા આપવામાં આવશે. 

indigo airlines news national news news