14 December, 2023 10:06 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પાર્લામેન્ટ ની તસવીર
સંસદમાં ઘૂસણખોરીને કારણે ભાગદોડ મચી હતી. એ સમયના ફોટોગ્રાફ્સ કૉન્ગ્રેસના લીડર્સ અને સપોર્ટર્સ દ્વારા સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવી રહ્યા છે. આવા જ એક ફોટોગ્રાફમાં કૉન્ગ્રેસના સિનિયર લીડર રાહુલ ગાંધી ઘૂસણખોરને જોતાં જોવા મળ્યા હતા. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર કૉન્ગ્રેસનાં લીડર સુપ્રિયા શ્રીનેતેએ રાહુલનો એક ફોટોગ્રાફ શૅર કર્યો હતો અને તેમને હીરો ગણાવવાની કોશિશ કરી હતી. સુપ્રિયાએ પોસ્ટમાં લખ્યું હતું કે ‘ડરો નહીં, તેઓ એમ કહેતા જ નથી, પરંતુ કરીને બતાવે પણ છે.’ સુપ્રિયાએ જે ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો એના પર લખવામાં આવ્યું હતું કે ‘જબ સંસદ મેં અફરાતફરી ફૈલી થી, જનનાયક સીના તાનકર ખડે થે.’
અમને લાગ્યું કે જૂતાં મારશે
મલુક નાગર, સંસદસભ્ય
શૂન્ય કાળમાં પાંચ મિનિટ બાકી હતી ત્યારે જ પાછળથી મોટો અવાજ આવ્યો. મેં પાછળ જોયું તો એક યુવક કૂદીને નીચે આવ્યો હતો. દરમ્યાન બીજો યુવક પણ કૂદીને નીચે આવ્યો. જમ્પ કરતાં-કરતાં એક યુવક આગળ વધવા લાગ્યો. હું અને કેટલાક સંસદસભ્યો તેને પકડવા માટે દોડ્યા હતા ત્યારે જ તે યુવકે પોતાનાં જૂતાં કાઢ્યાં. અમને લાગ્યું કે તે અમને જૂતાંથી મારશે. જોકે અમે તક ગુમાવ્યા વિના તેને પકડી પાડ્યો હતો. જોકે એ દરમ્યાન તેણે સ્પ્રેથી ધુમાડો કર્યો હતો.
હોબાળો મચતાં મેં ધ્યાન આપ્યું
ગુરજિત સિંહ ઔજલા, કૉન્ગ્રેસના એમપી
તેઓ જ્યારે કૂદ્યા ત્યારે ઝીરો અવરનો છેલ્લો સમય હતો. હોબાળો મચ્યો તો મેં ધ્યાન આપ્યું. પહેલો કૂદ્યો એ સ્પીકર તરફ જઈ રહ્યો હતો અને શોરબકોર કરી રહ્યો હતો. તેણે જૂતાં ઉતારવાનું શરૂ કર્યું હતું. જૂતાંમાં કોઈ વસ્તુ હતી. બેનિવાલજીએ તેને પકડી લીધો હતો. મને લાગ્યું કે બીજો પણ છે. હું ત્યાં પહોંચ્યો તો તેણે બૉમ્બ ટાઇપનો સ્પ્રે કર્યો હતો. મેં એ છીનવીને બહાર જઈને ફેંકવાનું શરૂ કર્યું હતું, કેમ કે ખબર નહોતી કે એ શું હતું. થોડી વારમાં સિક્યૉરિટી ઑફિસર્સ આવી ગયા હતા.