શાસક એમપી દ્વારા સ્પૉન્સર?

14 December, 2023 10:06 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હજી તપાસ પૂરી થાય એ પહેલાં જ શશી થરૂરે ચુકાદો આપી દીધો

લોકસભામાં ઘૂસણખોર બેન્ચ પર ચડીને ભાગમભાગ કરવા માંડ્યો હતો.

નવી દિલ્હી : લોકસભામાં ઘૂસણખોરી અને હંગામાના મામલે કેટલીક હકીકતો બહાર આવી છે. બીએસપીમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા એમપી દાનિશ અલીએ દાવો કર્યો હતો કે ગૃહમાં ઘૂસણખોરી કરીને ડર ફેલાવનારો યુવક કર્ણાટકના મૈસૂરથી બીજેપીના એમપી પ્રતાપ સિંહાના નામે વિઝિટર પાસ લઈને આવ્યો હતો. 

એટલે જ કૉન્ગ્રેસના એમપી શશી થરૂરે ગઈ કાલે ગંભીર આરોપ મૂકતાં કહ્યું હતું કે ‘હકીકત એ છે કે આ લોકો (ઘૂસણખોરો)ને શાસક પાર્ટીના એક એમપી દ્વારા સ્પૉન્સર કરવામાં આવ્યા હોવાનું જણાય છે. આ લોકોએ સ્મોક પિસ્તોલનું સ્મગ્લિંગ કર્યું હતું, એ સૂચવે છે કે ગંભીર સુરક્ષા ચૂક થઈ છે. એટલું જ નહીં, તેમણે આ સ્મોક પિસ્તોલ ફાયર કરી અને સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. આ નવા બિલ્ડિંગમાં સુરક્ષાવ્યવસ્થા જૂના બિલ્ડિંગની સુરક્ષાવ્યવસ્થા જેટલી અસરકારક નથી.’

સંસદમાં ઘૂસી આવેલા યુવકના પિતાએ કહ્યું, ‘...તો તેને ફાંસી આપી દેવી જોઈએ’

નવી દિલ્હીઃ લોકસભામાં ઘૂસણખોરી કરનારા યુવકો પૈકી એકનું નામ સાગર જ્યારે બીજાનું નામ મનોરંજન હોવાનું જાણવા મળે છે. મનોરંજનના પિતા દેવરાજે દીકરાની આ હરકતને ખોટી જણાવતાં કહ્યું કે ‘જો તેણે સમાજ માટે કશું ખોટું કર્યું છે તો તેને ફાંસીએ લટકાવી દેવો જોઈએ. તે સારો છોકરો છે. તે સ્વામી વિવેકાનંદની બુક્સ વાચતો રહેતો હતો.’ 
મનોરંજને મૈસૂરની એક કૉલેજમાંથી કમ્પ્યુટર સાયન્સની ડિગ્રી મેળવી છે.  

પ્રતાપ સિંહા કોણ છે?
સિંહા કર્ણાટકની મૈસૂર સીટ પરથી બીજી વખત બીજેપીની ટિકિટ પર ચૂંટાયા છે. પ્રતાપ સિંહાએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને સંસદીય બાબતોના પ્રધાન પ્રહ્‍લાદ જોશીને મળીને ખુલાસો કર્યો હતો. એક સંસદસભ્ય તરીકે સિંહાએ અનેક વિવાદો પણ જગાવ્યા છે. ૨૦૧૫માં ટીપુ સુલતાનના જન્મોત્સવ સમારોહ બદલ તેમણે કર્ણાટક સરકારનો ખૂબ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સુલતાન માત્ર ઇસ્લામવાદીઓ માટે આદર્શ હોઈ શકે છે. સાથે જ તેમણે આરોપ મૂક્યો હતો કે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા રાજ્યમાં જેહાદીઓને પ્રોત્સાહન આપે છે. 

 

 

parliament shashi tharoor bharatiya janata party congress national news