ભારતનો ચીનને મેસેજ, અમે છીએ તૈયાર

16 December, 2022 11:20 AM IST  |  Tawang | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયન ઍર ફોર્સે પૂર્વોત્તર પ્રદેશમાં ટ્રેઇનિંગ એક્સરસાઇઝ શરૂ કરી તો ક્વિક રીઍક્શન ટીમના કમાન્ડોએ અરુણાચલ પ્રદેશના તવાંગમાં એક ટ્રેઇનિંગ કવાયત કરી

તસવીર સૌજન્ય મિડ-ડે ગુજરાતી

તવાંગ : ચીનની પીપલ્સ લિબરેશન આર્મીને એક મજબૂત મેસેજ આપવા માટે ભારતની ક્વિક રીઍક્શન ટીમના કમાન્ડોએ અરુણાચલ પ્રદેશના તવાંગમાં એક ટ્રેઇનિંગ કવાયત કરી હતી. ઉપરાંત ઇન્ડિયન ઍર ફોર્સે પૂર્વોત્તર પ્રદેશમાં ટ્રેઇનિંગ એક્સરસાઇઝ શરૂ કરી છે. થોડા દિવસ પહેલાં જ ચીનની આર્મીના સૈનિકો વાસ્તવિક અંકુશ રેખાને પાર કરીને આવી ગયા હતા. જોકે ભારતીય જવાનોએ તેમને અટકાવ્યા અને પાછા તેમની પોસ્ટ્સ તરફ મોકલી દીધા હતા.

હવે ટ્રેઇનિંગના વિઝ્યુઅલ્સમાં જોવા મળે છે કે ભારતીય કમાન્ડો હાથથી મારામારીથી લઈને રૉકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ ફાયર કરવા સહિત જુદી-જુદી કવાયત હાથ ધરી રહ્યા છે, જેનું લોકેશન અને ટાઇમિંગ સૂચવે છે કે ચીન તરફથી વધુ કોઈ લડાઈ થાય તો એનો મુકાબલો કરવા માટે ભારત તૈયાર હોવાનો મેસેજ આપવાનો છે.

આ પહેલાં જણાવાયું હતું કે તાજેતરમાં તવાંગમાં ભારત અને ચીનના જવાનોની વચ્ચે જ્યાં ઘર્ષણ થયું હતું એ સ્થળેથી કેટલીક બૅગ્સ મળી આવી હતી. ભારતીય જવાનોએ જ્યારે આ સૈનિકોને પાછા મોકલી દીધા હતા ત્યારે ચાઇનીઝ સૈનિકો એ બૅગ્સને ત્યાં જ છોડીને જતા રહ્યા હતા.

ઇન્ડિયન ઍર ફોર્સે ગઈ કાલે જણાવ્યું હતું કે પૂર્વોત્તર પ્રદેશમાં એના ક્રૂની ટ્રેઇનિંગ માટે એક કવાયત કરવામાં આવી રહી છે. જોકે તવાંગમાં તાજેતરમાં ભારત અને ચીનની વચ્ચે ઘર્ષણ થયો એના ખાસ્સા સમય પહેલાં જ એના માટે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું અને તાજેતરની આ ઘટનાઓની સાથે એને કોઈ નિસ્બત નથી. 

ઇન્ડિયન ઍર ફોર્સે જણાવ્યું હતું કે ગઈ કાલથી શરૂ થયેલી બે દિવસની ટ્રેઇનિંગ એક્સરસાઇઝનો આ પ્રદેશમાં ચીનની સાથેની બૉર્ડર પર બનેલી ઘટનાઓની સાથે કોઈ સંબંધ નથી. જોકે નોંધપાત્ર છે કે છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં ઇન્ડિયન ઍર ફોર્સે વાસ્તવિક અંકુશ રેખાની નજીક ચાઇનીઝ ઍરક્રાફ્ટ ડિટેક્ટ થયા બાદ ફાઇટર જેટ્સ મોકલવા પડ્યાં હતાં.  
ચાઇનીઝ ઍર ફોર્સની મૂવમેન્ટ પર નજર રાખવા માટે ઇન્ડિયન ઍર ફોર્સ છેલ્લા કેટલાક દિવસોથી આ પ્રદેશમાં ઍર પૅટ્રોલિંગ કરી રહ્યું છે.

national news china indian army arunachal pradesh line of control