17 August, 2025 07:40 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાજસ્થાનના સિનિયર સેકન્ડરી સ્કૂલમાં ફૉલ્સ સીલિંગનો એક ભાગ પડી ગયો હતો
કલકત્તામાં રાજ્ય સ્તરના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ભાગ લીધા પછી સ્કૂલનાં ઘણાં બાળકો ગરમ અને ભેજવાળા હવામાનને કારણે બીમાર પડ્યાં હતાં. રેડ રોડ પર પરેડમાં ભાગ લેનારા કુલ ૩૯ સ્ટુડન્ટ્સ બીમાર પડ્યા હતા, જેના પગલે તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ કાર્યક્રમમાં ગાર્ડ ઑફ ઓનર લીધું હતું જેમાં પોલીસ, રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને સ્કૂલના સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો. મમતા બૅનરજીએ સ્ટુડન્ટ્સની ખબર કાઢવા હૉસ્પિટલની મુલાકાત લીધા બાદ કહ્યું હતું કે ગરમ અને ભેજવાળા હવામાનને કારણે પરેડમાં ભાગ લેતી વખતે સ્ટુડન્ટ્સ અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા.
રાજસ્થાનના બુંદી શહેરની સેન્ટ પોલ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે ઑડિટોરિયમની ફૉલ્સ સીલિંગનો એક ભાગ પડી જતાં ઉજવણીની સવાર અચાનક અંધાધૂંધીમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટનામાં પાંચ બાળકો ઘાયલ થયાં હતાં. સ્કૂલમાં લગભગ ૩૫૦ સ્ટુડન્ટ્સ, ૨૫૦ વાલીઓ અને ૪૯ સ્ટાફ-સભ્યો સ્વતંત્રતા દિવસને ઊજવવા માટે ભેગા થયા હતા. ઘાયલ બાળકોને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.